રાજકોટ
News of Tuesday, 15th September 2020

રાજકોટ જીલ્લાના ૨૫૯ ગામો કોરોનામુકત છે : ગ્રામજનોને સલામ

જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલન્સની ઝુંબેશ : આ બધા ગામડાઓમાં કોરોનાં બંધી નિયમોનું સ્વૈચ્છીક કડક પાલન કરે છે

રાજકોટ,તા.૧૫ : શહેર જીલ્લામાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. છતાં આ સંજોગોમાં જીલ્લાના ૨૫૯ ગામડાઓ હજુ સુધી કોરોના સામે જંગ લડવામાં સફળ રહ્યા છે. ગ્રામજનોની સ્વયં શિસ્ત અને જાગૃતિને કારણે આ ગામોમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો

રાજકોટ જિલ્લામાં વધતા કેસો વચ્ચે હજુ પણ ઘણા ગામોમાં લોકોની જાગૃતિને લીધે કોરોનાનો પગપેસારો થયો નથી. રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના ગામડાઓમાં કોરોનાની લોકજાગૃતિ તેમજ ડોર ટુ ડોર સર્વેની કામગીરી અવિરત ચાલુ છે. રાજકોટ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી એક પણ કે કોરોનાનો નોંધાયો નથી.

રાજકોટ જિલ્લામાં કુલ ૫૯૦ ગામો છે જેમાંથી જિલ્લાના કુલ ૧૧ તાલુકામાં જયાં કેસ નોંધાયો નથી તેવા ગામોની સંખ્યા તાલુકા વાઈઝ જોઈએ તો રાજકોટ તાલુકાના ૪૩, લોધિકા તાલુકાના ૧૬, પડધરી તાલુકાના ૩૧, ગોંડલ તાલુકાના ૨૩,કોટડા સાંગાણી તાલુકાના ૨૨, ધોરાજી તાલુકાના પ, ઉપલેટા તાલુકાના ૨૬, જેતપુર તાલુકાના ૭, જામકંડોરણા તાલુકાના ૨૨,જસદણ તાલુકાના ૨૮ અને વિંછીયા તાલુકાના ૩૬ મળીને કુલ ૨૫૯ ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

માર્ચ મહિનાથી અત્યાર સુધી સપ્ટેમ્બર દરમિયાન પણ આ ગામમાં કોરોનાનો કેસ ફરકયો નથી તેની પાછળનું કારણ ગામ લોકોની જાગૃતિ ઉપરાંત ભીડભાડવાળા સંક્રમિત વિસ્તારોમાં આ ગામના લોકોની નહિંવત અવરજવર, સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સિગ તેમજ જરૂરી લેવાયેલા પગલા છે.

(1:01 pm IST)