રાજકોટ
News of Wednesday, 14th February 2018

રાજકોટની મનજીત કૌર - હરેશ ડોડેજાને ૧૪ વર્ષથી દરરોજ વેલેન્ટાઈન ડે..

આજે ૧૪ ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે વેલેન્ટાઈન ડે... વર્ષના ૩૬૫ દિવસોમાં આજે પ્રેમ - ઉન્માદ - મસ્તીનો વરસાદ અને તેમાં ટીનેજરોથી લઈ દરરોજ એઈજના લોકો થીરકશે... ચોકલેટ, લાલ કલરના કપડાઓ, ટેડીથી લઈ ગુલાબનો વરસાદ - ડાન્સ પાર્ટીઓથી લઈ ઘણુ બધું...! પછી આવતા વર્ષના વેલેન્ટાઈન ડેનો ઈન્તેજાર... પણ વડોદરાના એક દંપતિ મનજીત કૌર - હરેશને તો છેલ્લા ૧૪ વર્ષથી દરરોજ વેલેન્ટાઈન ડે ઉજવે છે

આ સત્ય ઘટનાની શરૂઆત થાય છે ૩૨ વર્ષ પહેલા રાજકોટમાં. રાજકોટના શીખ પરીવારની એકની એક લાડકી દિકરી મનજીત કૌર કુંડલીયા ઈંગ્લીશ મીડિયમ કોલેજમાં ભણે... તે વખતે જાણીતી હિરોઈન પદ્મીની કોલ્હાપુરે જેવો અદલોઅદલ દેખાવ ધરાવતી મનજીત કૌર સજીધજી કોલેજમાં આવે ત્યારે દરેકની નજર તેના પર ટીકી રહે... અને તેવું જ તેનું હાસ્ય...

આ લખનારની વેલેન્ટાઈન ગર્લ પણ આ કોલેજમાં મનજીત કૌરની સાથે કલાસમાં ભણે અને ગ્રુપમાં પણ... તે હિસાબે મનજીતનો પરિચય થયો. બોલવામાં નિખાલસ, મુકત હાસ્ય - સરસ અને સારી સેન્સ ઓફ હ્યુમર ધરાવતી મનજીતની સાથે મળવાનું થતું, ઘણી વખત જંકશન વિસ્તારમાં તેના ઘરે પરીવાર સાથે અસ્સલ શીખ મહેમાનગતિ પણ માણી... કોલેજના એ ત્રણ ગોલ્ડન વર્ષોમાં એ સમયે મનજીતકૌરનો પરિચય થયો એક સિંધી યુવાન હરેશ દુધૈયા સાથે. બંને મળ્યા પહેલી વખત મુંબઈમાં - પહેલી નજરના પ્રેમમાં મનજીત અને હરેશ પડી ગયા અને આ લવસ્ટોરી માટે હરેશના રાજકોટના ચક્કર શરૂ થઈ ગયા.

ફર્સ્ટ સાઈટ લવ માત્ર વાતો થાય તેમ નથી, મનજીત હરેશનો પ્રેમ - લવ - ઈશ્ક આજના આ દિવસે ય પહેલા દિવસ જેટલો જ છે.

ઈન્ટરકાસ્ટ મેરેજ સ્વીકારવા મનજીત કૌરનું ફેમીલી સ્વીકારવા તૈયાર નહોતુ અને રાબેતા મુજબ મનજીત - હરેશે ભાગીને કોર્ટ મેરેજ કરી ન બોમ્બે - ન રાજકોટ વડોદરામાં પોતાનું દાંપત્ય જીવન શરૂ કર્યુ, મનજીત એક સ્કુલમાં ટીચર બની ગઈ તો હરેશને બેન્કમાં જોબ મળી ગઈ. ખુશાલીમાં ઉમેરો કરવા એક નવા મહેમાનનો જન્મ થયો. નામ અર્થ જે આજે તો મુંબઈની એક કોર્પોરેટ કંપનીમાં લાખ્ખોના પેકેજ સાથે ઉચ્ચ હોદ્દા પર બિરાજે છે.

લવ યુ જિંદગીની જેમ જીવતા મનજીત કૌરના જીવનમાં ટવીસ્ટ આવ્યો તે હતો મલ્ટીપલ સ્કેલોટોસીઝરોગનું આગમન... ૧૦ લાખ લોકોમાં એક કેસ દેખાય તેની શરૂઆત મનજીતમાં થઈ. શરૂઆત હતી ચક્કર આવી પડી જવાની... વડોદરામાં નિદાન બાદ મુંબઈ અને દુનિયાભરમાં આ અંગે હરેશ - મનજીતે તપાસ કરી પણ ડોકટરોએ કહ્યુ સોરી આ રોગનો ઈલાજ નથ શોધાયો. આ રોગમાં ધીમે ધીમે પેશન્ટ ડાઉન થાય પથારીમાં આવે અને છેલ્લે આનંદ ફિલ્મના બાબુ મોસાયની જેમ જીંદગી છોડી દે, પણ મુંબઈના એક ડોકટરે કહ્યું કે એક આશા છે... પરીવાર મનજીતને ફુલની જેમ સંભાળે, સારવાર કરે તો આ જ નહિં તો કાલે આ રોગની દવા શોધાશે ને બસ હરેશે આ ચેલેન્જ ઉપાડી લીધી.

પહેલા વ્હીલચેર પર ને છેલ્લા ૧૫ વર્ષથી બેડરેસ્ટમાં આવી ગયેલી મનજીત અને હરેશે દરરોજ રીઅલ વેલેન્ટાઈન ડે ઉજવવાનું શરૂ કર્યુ. હરેશની જીંદગીની એકમાત્ર મકસદ બની ગઈ તેની વેલેન્ટાઈન ગર્લ મનજીત અને પુત્ર અર્થ.

શરૂઆતના મહિનાઓ મનજીતને બહુ અઘરા પડ્યા. પરવશતાને કારણે આખો દિવસ રડ્યા કરે, મેડીકલ બેડની સોમ જ દિવાલ પર લટકાતી વાહેગુરૂની છબી ને હરેશ - પુત્ર અર્થ સાથેની વેલેન્ટાઈન ડે તસ્વીર સામે જોયા કરે ને આંખમાં શ્રાવણ - ભાદરવો વહ્યા કરે. સાંજે હરેશ બેન્કમાંથી આવે ત્યારે મનજીતની જીંદગી ફરી શરૂ થાય...

એક વિકએન્ડમાં હરેશ - મનજીતે નક્કી કર્યુ કે આનંદના બાબુમોશાયની જેમ રડવાની બદલે જીંદગી મોજથી જીવી ન શકીએ? હરેશે કહ્યુ મારે તારા ફેસ પર એ જ કોલેજ વખતનું સ્માઈલ દરરોજ જોઈએ છે ને બસ ત્યારથી મનજીત બની ગઈ આનંદ ફિલ્મમાં યાદગાર કિરદાર નિભાવનાર રાજેશ ખન્નાની ભૂમિકમાં. ગમે તેટલી તકલીફમાં પણ મનજીતના મોઢા પર કોલેજનું એ સ્માઈલ આજે ય અકબંધ છે.

વડોદરાની સોસાયટીમાં રહેતી મનજીત આજે ૧૫ વર્ષથી બેડરેસ્ટમાં છે, કુદરતે કસોટી કરવી હોય તેમ ધીમે ધીમે છેલ્લા ૩ વર્ષથી મનજીતની વાચા પણ છીનવી લીધી છે. મનજીત માત્ર આંખોથી વાત કરે છે અને હુંકારા કરી બોલી શકે છે. દિકરો... ભારતના કોઈપણ જગ્યાએ હોય દરરોજ મમ્માને સવાર - સાંજ ફોન કરી વાત કરે ને મનજીત પણ એ જ સ્માઈલ સાથે હોકારા કરી જવાબ આપે.

ને હરેશ? હરેશની એકમાત્ર જીંદગી છે પોતાની વેલેન્ટાઈન ગર્લ મનજીત. સવારે મનજીતને ફ્રેશ કરી હરેશ તેને એકસરસાઈઝ આપે, સ્પંચ કરે ને મ્યુઝીક સાંભળતા સાંભળતા બંને વેલેન્ટાઈન કપલનું દાંપત્યજીવન મહેંકી ઉઠે. હરેશ યોગા કરે મનજીતની સામે એકસરસાઈઝ કરે, વાતો કરે.

મનજીતને બેડશોર (ચાંભા) ન પડે તેટલા માટે મનજીતને બેલ્ટથી બાંધી એક કલાક મમ્મીની જેમ ઉભી લટકાડી રખાય. મનજીત ચાવી શકતી નથી એટલે હરેશ જમવાનું બનાવી મનજીતને ભાવતી વસ્તુ જ્યુસ બનાવીને પીવડાવે, ને પોતે જમી બેન્કમાં જાય. ૧૧ થી ૬ હરેશની માતા મનજીતની જોડીદાર બની રહે. સાંજે હરેશ બેન્કમાંથી છ વાગ્યે સીધો ઘરે આવી મનજીતની ટીવી સીરીયલો જોવે, મ્યુઝીક સાંભળે ને ડીનરમાં પણ બંને સાથે જમે.

કુદરતે મનજીતના શરીરમાંથી ચેતન લઈ લીધુ - છેલ્લે જીભ પણ લીધી પણ કાન અને તેનું સુંદર હસાયને જાળવી રાખ્યુ છે. જે આ દંપતિ માટે આર્શીવાદ છે. હરેશે પણ મનજીતથી અલગ ન પડવા આટલા વર્ષોથી પ્રમોશન લીધુ નથી. છેલ્લા ૧૫ વર્ષમાં હરેશ ભાગ્યે જ વડોદરાની બહાર ગયો છે તે પણ દિવસો માટે નહીં કલાકો માટે.

૨૦૧૮માં હજુ આ રોગની પ્રારંભિક દવા વિદેશમાં શોધાયાના સમાચાર મળ્યા છે જેનું પરિક્ષણ થઈ રહ્યુ છે ખબર નહીં મનજીત સુધી આ દવા પહોંચશે કે નહીં... પણ હરેશ મનજીતના વેલેન્ટાઈન ડેની ઉજવણી આજે પણ ચાલુ છે અને છેલ્લે મનજીત બોલતી હતી ત્યારે તેણે એવી ઈચ્છા દર્શાવી કે હરેશ શીખ બની જાય ને હરેશ આજે અસ્સલ શીખ યુવાન બની ગયો છે. બસ હરેશસિંઘને જોઈ મનજીતનું હાસ્ય ખીલી ઉઠે છે.

૩૦ વર્ષ બાદ આ લખનારને મનજીતની તબિયત વિશે જાણ થઈ જાન્યુઆરીમાં વડોદરા જવાનું થયુ, મારી જીવનસંગીની સાથે મનજીત કૌરને મળવા પહોંચ્યા. મનજીત ૩૦ વર્ષ બાદ અમોને પહેલા ઓળખી તો ન શકી પણ મનજીતનું સ્માઈલ તો એ જ હતું જે વર્ષો પહેલા જોયુ હતું. સાંજે ૬ વાગ્યે હરેશ બેન્કમાંથી આવ્યા ને વાતચીત થતા મનજીત હરેશની આ છોટી સી લવસ્ટોરી હરેશ પાસેથી સાંભળીને મને ચકરાઈ ગયું. હરેશે કહ્યુ નો નેગેટીવ ટોક - એની ટાઈમ યુ આર મોસ્ટ વેલકમ ટુ વડોદરા વી વોન્ટ ઓન્લી પ્રેયર... મારી ૩૦ વર્ષની પત્રકાર તરીકેની કારકિર્દીમાં પણ હું જેનો સાક્ષી છું તેવી આ સત્યઘટના જોઈ કર્મની થિયરી પર ને હજુ મારા માાનસપટ પર આ ઘટના ઘુમરાયા કરે છે અને છેલ્લે ૨૧મી સદીમાં આજે દર વર્ષે વેલેન્ટાઈન ડેએ પાત્રો બદલાઈ જવાનું ગમે તે ઉંમરમાં સામાન્ય થઈ ગયુ છે ત્યારે મનજીત - હરેશને હેટ્સ ઓફ - હેપ્પી વેલેન્ટાઈન મનજીત - હરેશ વી આર વીથ યુ મનજીત - હરેશને તમારી સીમ્પથીની નહીં પ્રેયરની જરૂર છે, તમે ય મનજીત - હરેશને હેપ્પી વેલેન્ટાઈન કહેવા માગો છો...?

રાજુ શાહ

મો. ૯૮૭૯૫ ૮૮૩૮૩

(4:14 pm IST)