રાજકોટ
News of Wednesday, 14th July 2021

લંડનના મીનાબેન શાહનો બંગલો પચાવવાના કેસમાં મનિષ ગોહેલ અને પત્નિ રિમાન્ડ પર

રૈયા રોડની ગુલમહોર સોસાયટીમાં આવેલો : ભાડે બંગલો રાખ્યા બાદ પચાવી પાડતાં લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતોઃ ભાડકરારની પહોંચ સહિતના મુદ્દે તપાસ

પોલીસે જાહેર કરેલી દંપતિની તસ્વીર

રાજકોટ તા. ૧૪: રૈયા રોડ પર ગુલમહોર સોસાયટીમાં ૧૭ નંબરનો બંગલો ધરાવતાં અને હાલ લંડન રહેતાં મીનાબેન શાહનો બંગલો ભાડેથી લીધા બાદ તેને પચાવી પાડવાના મામલે લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ નોંધાયેલા ગુનામાં પોલીસે આરોપી મનિષ કિશોરભાઇ ગોહેલ (ઉ.વ.૫૩) અને તેના પત્નિ શોભનાબેન મનિષ ગોહેલ (ઉ.વ.૪૯)ને કોર્ટમાં રજૂ કરતાં બંનેના ૧૫મી સુધીના બે દિવસના રિમાન્ડ મળતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવાયું હતું કે પતિ-પત્નિએ ૨૦૧૪માં ત્રણ મહિના માટે બંગલો ભાડેથી લીધો હતો. એ પછી બંનેએ પચાવી પાડ્યો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેની સામે બંને આરોપીઓએ આગોતરા જામની મેળવવા અરજી કરી હતી. આ અરજી મંજુર થયા બાદ બંને પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે ધરપકડની કાર્યવાહી કરી જામીન મુકત કર્યા હતાં.

પરંતુ તપાસ માટે બંનેને વિશેષ જરૂર હોઇ પોલીસે બંનેને રિમાન્ડ માંગણી સાથે ગઇકાલે ડિસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કર્યા હતાં. સરકારી વકિલ એસ. કે. વોરાએ ધારદાર દલિલો કરતાં અદાલતે બંનેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. બચાવ પક્ષ તરફથી એડવોકેટ લલિતસિંહ શાહીએ પણ ધારદાર રજૂઆતો કરી હતી. એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એ. એસ. ચાવડા અને ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે. બંને પાસે ભાડા કરારની પહોંચ છે કે કેમ? કઇ રીતે ભાડુ ચુકવતાં હતાં? બેંકથી ચુકવ્યું હોય તો તેની માહિતી મેળવવા પોલીસ આગળ તપાસ કરશે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મનિષ ગોહેલના પત્નિ શોભનાબેન અગાઉ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં પાર્ટટાઇમ શિક્ષીકા હતાં.

(12:42 pm IST)