રાજકોટ
News of Saturday, 14th May 2022

હોટેલના જનરેટરમાંથી ડીઝલ ચોરી કરનારા આશીફ અને અનિશ પકડાયા

ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમે જૂના મોરબી રોડ પરથી રીક્ષામાં ડીઝલ ભરેલા ૪ કેરબા સાથે દબોચ્‍યા

રાજકોટ તા. ૧૪ : કાલાવડ રોડ પર અવધ પાસે આવેલા ટી. જી. બી. હોટેલમાં જનરેટરમાંથી ડીઝલ ચોરી કરનારા બે શખ્‍સોને ડીસીપી ઝોન-૧ ની એલ. સી. બી. ટીમે રીક્ષામાં ચોરાઉ ડીઝલ ભરેલા ચાર કેરબા સાથે જૂના મોરબી રોડ પરથી ઝડપી લીધા હતાં.
મળતી વિગત મુજબ જૂના મોરબી રોડ પર બે શખ્‍સો રીક્ષામાં ચોરાઉ ડીઝલ ભરેલા કેરબા સાથે નીકળ્‍યા હોવાની ડીસીપી ઝોન ૧ ની એલસીબી ટીમના કોન્‍સ. સત્‍યજીતસિંહ  જાડેજા અને દીવ્‍યરાજસિંહ જાડેજાને બાતમી મળતા જૂના મોરબી રોડ પર રાજકોટ પાસેથી પસાર થતી જીજે-૩-ડબલ્‍યુ-૩૮૮૭ નંબરની રીક્ષાને રોકી તલાસી લેતા તેમાંથી રૂા. ૧૮૦૦૦ ની કિંમતના ર૦૦ લીટર ડીઝલ ભરેલા ચાર પ્‍લાસ્‍ટીકના કેરબા મળી આવતા પોલીસે રીક્ષા ચાલક આશીફ દાઉદભાઇ હાલા (ઉ.વ.૩૦) (રહે. ભગવતીપરા ગાંધી સ્‍મૃતિ સોસાયટી શેરી નં. ૬) અને કેટરીંગમાં મજૂરી કામ કરતો અનીશ હબીભાઇ કયડા (ઉ.ર૧) (રહે. ભગવતીપરા જયપ્રકાશનગર શેરી નં. ૧૬) ને પકડી લઇ ચોરાઉ ડીઝલ તથા રીક્ષા મળી રૂા. ૬૮૦૦૦ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. બંનેની પુછપરછ કરતા કાલાવડ રોડ અવધ પાસે આવેલા ટી. જી. બી. હોટેલ પાસે જનરેટર માંથી ડીઝલ ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પીએસઆઇ વી. કે. ઝાલા, હેડ કો. સામંતભાઇ ગઢવી, કો. દીવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા, પૃથ્‍વીરાજસિંહ ચૂડાસમા તથા જીતેન્‍દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

 

(4:06 pm IST)