મનપાની દમદાર અને દળદાર ડેસ્ક ડાયરી પ્રકાશીત
ડાયરીમાં લક્ષ્મીનગર અન્ડરબ્રીજનું આકર્ષક મુખપૃષ્ઠ : સાઇઝ મોટી અને પેઇજ વધારાયા

રાજકોટ તા. ૧૪ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રસિધ્ધ કરાયેલ વર્ષ ૨૦૨૨-૨૩ની દમદાર અને દળદાર ડાયરીમાં લક્ષ્મીનગર અંડરબ્રીજનું આકર્ષક મુખ્યપૃષ્ઠ બનાવવા આવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશન દ્વારા દર વર્ષે તંત્ર દ્વારા થયેલા વિવિધ પ્રોજેકટની માહિતી પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓના ફોટા તથા વિવિધ વિભાગના અધિકારીઓ - કર્મચારીઓના ફોન નંબર સહિતની માહિતી સાથે મોટી અને નાની ડાયરી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ વર્ષે પ્રસિધ્ધ થયેલ ડાયરીની સાઇઝ મોટી કરવામાં આવી છે તેમજ પેઇજ પણ વધારવામાં આવ્યા છે.
મનપા દ્વારા અંદાજીત ૧૫ લાખના ખર્ચે ૬ હજાર ડાયરી છપાવવામાં આવી છે. આ ડાયરી મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનને ૨૫૦ - ૨૫૦ તથા નેતા - દંડકને ૧૦૦ તથા કોર્પોરેટરોને ૩૦-૩૦ આપવામાં આવે છે તેમ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.