રાજકોટ
News of Saturday, 13th January 2018

કોઠારીયા-વાવડીમાંથી મિલ્કત વેરાના ૨૫ કરોડ આવશે

વર્ષ-૨૦૧૫થી વેરો વસુલવાનું બાકીઃ કોઠારિયાની ૨૭ હજાર તથા વાવડીની ૭ હજાર મિલ્કતોને બીલ બજવણીઃ બિલટઅપ એરીયા મુજબ વેરો વસુલાશે : વાંધા અરજીનાં ઢગલા થશે

રાજકોટ તા. ૧૩ : મ્યુ. કોર્પોરેશન દ્વારા નવી કાર્પેટ એરીયા મુજબની મકાન વેરા આકારણી હાથ ધરવામાં આવી છે જે હવે લગભગ પૂર્ણ થઇ ગઇ છે અને શહેરના તમામ ૧૮ વોર્ડની મળી કુલ ૪,૪૮,૯૨૦  મિલ્કતોની નવી આકારણી થઇ છે. આ કોઠારીયા - વાવડીની ૩૪ હજાર મિલ્કતોનો રૂ. ૨૫ કરોડના વેરા આવકની આશા તંત્રવાહકોમાં સેવાઇ રહી છે.

શહેરમાં કોઠારીયા - વાવડી ભેળવવામાં આવ્યા તે અગાઉ કોર્પોરેશનના ચોપડે કુલ ૩.૮૦ લાખ મિલ્કતો હતી. ત્યારબાદ ૨૦૧૭-૧૮માં ૩૪ હજાર નવી મિલ્કતોનો ઉમેરો થતાં ૩,૯૫,૬૦૦ લાખ મિલ્કતો ચોપડે નોંધાઇ છે.

જુની વેરા આકારણી મુજબ કોર્પોરેશનના ચોપડે ૨.૯૦ લાખ રહેણાંક, ૯૭ હજાર કોમર્શિયલ, ૮૬ હજાર ઔદ્યોગિક મિલ્કતો છે જે પૈકી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના કુલ ૨.૦૯ લાખ મિલ્કતોનો વેરો ભરપાઇ થઇ ગયો છે. હવે ૧.૮૬ મિલ્કતોનો વેરો વસુલવાનો બાકી છે. વાવડી - કોઠારીયા મિલ્કત ધારકોને જુની વેરા આકારણી મુજબના નાણાકીય વર્ષ ૨૦૧૫થી આ બંને વિસ્તારનો વેરો વસુલવાનો બાકી હોય. વેરા શાખાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને વિસ્તારમાં મિલ્કત વેરો વસુલવા બિલ્ટઅપ એરિયા મુજબ બિલ બજવણી શરૂ કરવામાં આવી છે. આ બંને વિસ્તારમાં ઔદ્યોગિક વસાહત, કારખાનાઓ સહિતની મિલ્કતોનો સમાવેશ થતો હોય તંત્રને ૨૦થી ૨૫ કરોડની આવકની આશા સેવાઇ રહી છે.(૨૧.૨૯)

(4:08 pm IST)