રાજકોટ
News of Saturday, 13th January 2018

કાલે પતંગપ્રેમીઓ મોજથી પતંગ ઉડાડજો : પવન દેવતાનું જોર રહેશે

આવતા અઠવાડીયામાં લઘુતમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો નોંધાશે : અશોકભાઈ પટેલ : સવારથી પવનનું જોર જોવા મળશે, બપોરે લંચબ્રેક સમયે ગતિ ઓછી રહેશે, સાંજના પવનની ઝડપ વધશે

રાજકોટ, તા. ૧૩ : પતંગપ્રેમીઓ આવતીકાલે મોજથી પતંગ ઉડાવી શકશે. પવનદેવતાનું જોર રહેશે. દિવસ દરમિયાન પતંગપ્રેમીઓને મજા પડી જશે. બપોરે લંચબ્રેકના સમયે પવનનું જોર ઘટશે. સાંજના અને રાત્રીના સમયે પવનની ગતિ વધુ જોવા મળશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.

અશોકભાઈએ વધુમાં જણાવેલ કે ગત સપ્તાહમાં આપેલી આગાહી મુજબ તાપમાનમાં ક્રમશઃ વધારો જોવા મળેલ. છેલ્લા બે ત્રણ દિવસથી આકાશ ધુંધળુ  અને કયાંક - કયાંક વાદળા છવાય છે. દિવસનું તાપમાન નોર્મલથી બે - ત્રણ ડિગ્રી નીચુ ગયુ છે. ન્યુનતમ તાપમાનમાં ૫ થી ૭ ડિગ્રી નોર્મલથી ઉંચુ નોંધાયુ છે. જેમ કે અમદાવાદ ૧૮.૫ (નોર્મલથી ૬ ડિગ્રી ઉંચુ) રાજકોટ ૧૮.૩ (નોર્મલથી ૬ ડિગ્રી ઉંચુ) અમરેલી ૧૭.૭ અને ભુજ ૧૫.૯ (બંને નોર્મલથી ૭ ડિગ્રી ઉંચુ) છે. હાલ ઠંડી ગાયબ થઈ ગઈ છે.

તા.૧૩ થી ૨૦ (શનિથી શનિ) દરમિયાન હજુ ન્યુનતમ તાપમાન નોર્મલથી ઉંચુતા.૧૩ થી ૧૬ સુધી ક્રમશઃ આંશિક ઘટશે. તા.૧૭ થી ૨૦ દરમિયાન ન્યુનતમ તાપમાનમાં ચાર - પાંચ ડિગ્રી જેવો ઘટાડો જોવા મળે તેમ છતાં નોર્મલ તાપમાનથી એકાદ ડિગ્રી ઉંચુ રહે તેવી શકયતા છે. પવનો ઉત્તર - પૂર્વ અને કયારેક પૂર્વના તા.૧૭-૧૮ના અમુક વિસ્તારમાં પવન ઉત્તર પશ્ચિમના ફૂંકાશે જેથી કચ્છ અને લાગુ ઓખા દ્વારકા વિસ્તારમાં ઝાકળની શકયતા થાય.

આવતીકાલે પતંગ માટે વાતાવરણ સારૂ રહેશે. બપોરે લંચબ્રેક સમયે પવનની ગતિ ઓછી રહેશે. રાત્રીના સમયે પવન વધુ જોવા મળશે. પવન ઉત્તર - પૂર્વ દિશામાંથી પવન ફૂંકાશે. સાંજના પવનનું જોર વધુ જોવા મળશે.

(1:06 pm IST)