રાજકોટ
News of Saturday, 13th January 2018

તંત્ર પ્રજાની આંખમાં ધુળ નાંખે છે?

ભેળસેળવાળા ખોરાકનો માત્ર નાશ શા માટે ? ફોજદારી કેમ નથી થતી...?

ફુડ એડલ્ટરેશન એકટ હેઠળ જે સ્થળેથી અખાદ્ય ખોરાકનો નાશ થયો હોય તેની સામે ફોજદારી ફરીયાદની જોગવાઇ છેઃ ગ્રાહક સુરક્ષા મંડળે મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૧ર : મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ખાદ્ય પદાર્થોનાં ચેકીંગ દરમિયાન અખાદ્ય પદાર્થોનો માત્ર નાશ કરે છે. તેનાં બદલે ફુડ એડલ્ટરેશન એકટ હેઠળ ફોજદારી ફરીયાદ કરવાની જોગવાઇનો અમલ કરાવવા રાજકોટ  જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીને પત્ર પાઠવ્યો છે.

 આ પત્રમાં સ્પષ્ટ રજૂઆત કરાઇ છે કે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ અવાર-નવાર રેસ્ટોરન્ટ, બેકરી, ખાદ્ય ચીજોનાં વેપારીઓને ત્યાં દરોડા પાડી ભેળસેળ યુકત વાસી અખાદ્ય પદાર્થોનો નાશ કરી સંતોષ માની લ્યે છે.

તો શું રાજય સરકારે ખાદ્ય ચીજોનાં વેપારીઓ ત્થા ઉત્પાદકો સામે કાયદાકીય પગલા લેવાની મનાઇ ફરમાવી છે. કે  પછી તંત્ર  કોઇની શેર શરમ કે દબાણમાં છે કેમ કે ફુડ એડલ્ટરેશન એકટ હેઠળ જોગવાઇ છે કે ચેકીંગ સમયે કોઇ અખાદ્ય પદાર્થો મળી આવે તો જે તે વેપારી-ઉત્પાદક સામે ફોજદારી ફરીયાદ ફુડ ઇન્સ્પેકટર મારફત કરવી અને જો ફરીયાદ થાય તો જ ભેળસેળ કરનારા વેપારીઓને કાયદાનો ભય રહે. બાકી માત્ર  ચીજ વસ્તુનો નાશ કરવાથી ફરીથી જે તે વેપારી ભેળસેળ શરૂ કરીને જાહેર આરોગ્ય સાથે ચેડા કરવાનું ચાલુ કરી દેશે.

માટે 'ભય વગર પ્રિત નહી' એ કહેવત મુજબ જે સ્થળેથી અખાદ્ય પદાર્થો મળે તે વેપારી-ઉત્પાદક સામે ફુડ એકલ્ટરેશન એકટની જોગવાઇ મુજબ ફોજદારી ફરીયાદ કરવા અનુરોધ છે.

આ રજૂઆત સાથે ગ્રાહક સુરક્ષા મંડળે હાઇકોર્ટનાં એડવોકેટ ડી. જી. શાહ દ્વારા અપાયેલ સંદર્ભ પત્ર પણ આધાર - પુરાવા રૂપે રજૂ કરાયો છે.

(10:03 am IST)