રાજકોટ
News of Friday, 12th August 2022

કાલે જન્‍માષ્‍ટમીનો મહાતાવોઃ સોમવારે ૩૬ કલાકારોનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ

સાંવરે સે મિલને કા સત્‍સંગ હી બહાના હૈ, ચલો સત્‍સંગ મેં ચલે હમે હરિગુણ ગાના હૈ...

કૃષ્‍ણભકિત, દેશભકિત વિશે કલાકારો કલાના કામણ પાથરશેઃ રવિવારે રાત્રે મસાલ રેલીઃ મંગળવારે આમંત્રણ રેલી

જયશ્રી કૃષ્‍ણ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિનાં આગામી કાર્યક્રમો સંદર્ભે આજે આયોજન સાથે જોડાયેલ યુવા ટીમે અકિલા કાર્યાલયની મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર. (૭.૧૬)

રાજકોટ તા.૧ર : વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્‍ણના અવતરણ દિવસને વધાવવા માટે જન્‍માષ્‍ટમી પુર્વે અનેક કાર્યક્રમો વિહિપ દ્વારા ધર્મમય માહોલ સર્જવામાં આવે છે. સતત આ ૩૬માં વર્ષે પણ ગત વર્ષ કરતા અનેક નવીનતમ, આકર્ષક કાર્યક્રમો સાથે અનેકવિધ કાર્યક્રમોની હારમાળ સર્જીને વિહિપ ‘‘હમ સબ હિન્‍દુ એક હૈ''ના નારાને ચરીતાર્થ કરવા આગળ વધી રહયુ છે.  આજે અકિલાની મુલાકાત પ્રસંગે વિ.હિ.પ. જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના અગ્રણીઓ, કાર્યકરોએ જન્‍માષ્‍ટમી પૂર્વેના અલગ અલગ કાર્યક્રમો વિશે મીડીયા સમક્ષ માહિતી આપી હતી.

કાલે તા.૧૩ના શનિવારે રોજ સાંજે ૭.૩૦ કલાકે બી.એ.પી.એસ. મંદિર,  કાલાવડ રોડ ખાતે સુત્ર સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ  યોજાશે. જનમાષ્‍ટમીની ઉજવણીમાં દર વર્ષે એક સુત્ર નકકી કરી આ સુત્ર દ્વારા મોટા પાયા ઉપર પ્રચાર- પ્રસાર કરવામાં આવે છે. આ સુત્રની પસંદગી માટે એક સ્‍પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે. જેમાં જાહેર જનતા પાસેથી આ સુત્ર પસંદગી માટે એક સ્‍પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે. જેમાં જાહેર જનતા પાસેથી આ સુત્ર મંગાવવામાં આવે છે. પસંદગી પામેલા સુત્રને ઇનામોથી પણ નવાજવામાં આવે છે. આ વર્ષની સુત્ર સ્‍પર્ધામાં વિજેતા થનાર સ્‍પર્ધકોને આ દિવસે ઇનામ વિતરણ કરવામાં આવશે. સાથે વિ.હિ.પ. સાથે જોડાયેલ રાજકોટના તમામ સંસ્‍થા, ગ્રુપ, એનજીઓ, સેવાકીય પ્રવૃતિ કરતા ગ્રુપના પ્રતિનીધિઓ તથા કાર્યકરોનો બહોળી સંખ્‍યામાં માર્ગદર્શન બેઠક પણ મળશે. જેમાં સંતો, મહંતોના આર્શીવચન સાથે વિ.હિ.પના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. આ કાર્યક્રમ બાદ તમામ લોકો માટે તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ - ર૦રરના ધર્માધ્‍યક્ષશ્રી નરેન્‍દ્રબાપુ દ્વારા શહેરના તમામ ધર્મપ્રેમી લોકોને આ કાર્યક્રમમાં પધારવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

આગામી તા.૧૪ના રોજ રાત્રે ૮-૦૦ કલાકે જિલ્લા પંચાયત ચોક, અકિલા ચોકથી બજરંગદળના યુવાનોદ્વારા એક મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જિલ્લા પંચાયત ચોકથી રેસકોષ રીંગ રોડ ફરતે આ મસાલ યાત્રા નીકળશે. જેમાં બજરંગદળના યુવાનો બેજ, કેસરી ખેસ સાથે ત્રિશુલ ધારણ કરીને મોટી સંખ્‍યામાં જોડાશે.

તા.૧પના સોમવારે રાત્રે ૯ વાગ્‍યે હેમુગઢવી હોલ ખાતે ૩૬ કલાકારોના વૃંદ દ્વારા ભજવાતો એક અદ્‌ભુત, અલગ પ્રકારનો કાર્યક્રમ શ્રી કૃષ્‍ણ ભકિત, દેશ ભકિત વિષય ઉપર યોજવામાં આવશે. જેમાં ખ્‍યાતનામ ગાયકો જયેશ દવે, અમી ગોસાઇ, હેમંત જોષી, તેજસ શીશાંગીયા, માણવા લાયક કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરશે. આર.ડી. ગ્રુપના શ્રી પરેશભાઇ પોપટના કન્‍સેપ્‍ટથી આયોજીત આ કાર્યક્રમમાં શ્રી શુભલક્ષ્મી ક્રેડીટ સોસાયટી, શુભમ એન્‍ટરપ્રાઇઝ, રાજદિપસિંહ જાડેજા (રાજાભાઇ વાવડી), તીર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ)નો સહયોગ પ્રાપ્‍ત થયો છે. આ કાર્યક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્‍ક પ્રવેશ મળી શકશે.  સાંઇ ગ્રુપનું ડાન્‍સ ગ્રુપ ભાગ લેશે તેનો પણ લાભ લેવા દરેક આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

આ વખતના એક નવીન પ્રયાસ રૂપે જન્‍માષ્‍ટમી શોભાયાત્રામાં નગરજનોને જોડાવાના આમંત્રણ રૂપે તા.૧૬ના રોજ રથયાત્રા આમંત્રણ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. મોટી સંખ્‍યામાં બાઇક તથા કાર દ્વારા સાંજે પ કલાકે મવડી ચોકડીથી કે જયાંથી જન્‍માષ્‍ટમી શોભાયાત્રાનો પ્રારંભ થાય છે. ત્‍યાંથી શરૂ  કરીને પુર્ણાહુતી સુધીના સમગ્ર રૂટ ઉપર આ રેલી નીકળશે અને આખા રૂટ ઉપર રાજકોટના નગરજનોને જન્‍માષ્‍ટમી પાવન દિવસે ભગવાન શ્રીકૃષ્‍ણના જન્‍મને વધામણા કરવા હાજર રહેવા આમંત્રીત કરશે. આ રેલીમાં ભાગ લેવા માટે યુવાનોને ધર્માધ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રબાપુએ હાકલ કરી છે. સુશીલભાઇ પાંભર પ્રેસ મુલાકાત સમયે દિપકભાઇ ગમઢા, રમેશભાઇ લીંબાસીયા, યોગેશભાઇ ચોટલીયા, વિમલભાઇ લીંબાસીયા, મયુરભાઇ મકવાણા, ધ્‍વનીતભાઇ સરવૈયા, હર્ષિતભાઇ ભાડજા, વાછાણી, હિનેશ મકવાણા, હેનીલ પરમાર, હર્ષભાઇ મુથરેજા તથા પ્રેસ મીડીયા ઇન્‍ચાર્જ પારસભાઇ શેઠ સહિતના લોકો હાજર રહયા હતાં.

(3:49 pm IST)