રાજકોટ
News of Friday, 12th August 2022

શહેરમાં કોરોના કેસમાં ચડાવ-ઉતારઃ ગઇ કાલે ૫૫ રિપોર્ટ પોઝીટીવ

હાલ ૩૨૪ એકટીવ કેસઃ કુલ કેસનો આંક ૬૫,૦૦૯એ પહોંચ્યો

રાજકોટ તા. ૧૨: શહેરમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે ૮ વર્ષના બાળક સહિત કુલ ૫૫ કેસ નોંધાયા અને ૩૮ દર્દીઓ સાજા થયા છે. હાલ ૩૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં ગઇકાલે ૫૫ કેસ નોંધાયા છે. જેમાં રેલનગર, સદરબજાર, ગાંધીગ્રામ, મોવડી, વિજયપ્લોટ, મોરબી રોડ, નાનામૌવા તથા કોઠારીયા સહિતના વિસ્તારમાં ૮ વર્ષના બાળક સહિત ૩૪ પુરૃષો અને ૨૧ મહિલાઓ સંક્રમિત થયા છે.

આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૫,૦૦૯ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂકયા છે. જ્યારે આજ દિન સુધીમાં કુલ ૬૪,૧૮૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૯૯૮ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૫૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૫૧ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૯,૦૯,૧૩૩ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૫,૦૦૯ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૭૩ ટકાએ પહોંચ્યો છે. 

(3:45 pm IST)