રાજકોટ
News of Friday, 12th August 2022

પડવલામાં પ્રેમલગ્ન કરનાર યુવકની હત્યા કરી તેની પત્નીનું અપહરણ કરનારા ત્રણ શખ્સોની ધરપકડ

શાપર-વેરાવળ પોલીસ અને રૃરલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હત્યા અને અપહરણ કરનાર સીનો વાલા, રાદેવ માલાણી તથા વિહળ માલાણીને મોડી રાત્રે દબોચી લઇ અપહૃત પરિણીતાને મુકત કરાવી : રીમાન્ડ મંગાશે

રાજકોટ, તા., ૧૧: શાપર-વેરાવળના  પડવલા જીઆઇડીસીમાં પ્રેમલગ્ન કરનાર પરપ્રાંતીય યુવકની હત્યા કરી તેની પત્નીનું અપહરણ કરનાર ૩ શખ્સોને મોડી રાત્રે શાપર-વેરાવળ પોલીસ અને રૃરલ ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી લીધા છે.

 પ્રાપ્ત વિગતો મુજબ પડવલા જીઆઇડીસીમાં ખોડીયાર બોરવેલ કારખાનામાં  રહેતા અરૃણભાઇ  ગોયેલના ઘરે સીનો વિભાભાઇ વાલા, રાદેવ જેહળભાઇ માલાણી તથા વિહળ આલાભાઇ માલાણીએ કારમાં આવી  લાકડાના ધોકા સાથે ઘરમાં ઘુસી જઇ અરૃણભાઇના પુત્ર પિયુષ ઉર્ફે લાલો ઉપર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાસી છુટયા હતા. ઉકત ત્રણેય આરોપીઓએ  પિયુષને મોતને ઘાત ઉતારી તેની પત્ ની અલઇ ઉર્ફે કુંવરને કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી ગયા હતા. આ બઘડાટીમાં વચ્ચે પડેલ પિયુષના પિતાને પણ ઇજા થઇ હતી. આ અંગે  મૃતક પિયુષના પિતા અરૃણભાઇએ પોલીસમાં જાણ કરતા શાપર-વેરાવળ પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૂળ યુપીના હમીરપુર જીલ્લાના લોહરા ગામનો પિયુષ ઉર્ફેે લાલો અરૃણ ગોયલ (ઉ.વ.રર) ૨૦૧૯ના વર્ષમાં શાપરમાં ચાની હોટલ ધરાવતો હતો તે વખતે શાપરની શાંતિધામ સોસાયટીમાં ઝુંપડામાં રહેતી કુંવર ઉર્ફે અલઇ સાથે પ્રેમસબંધ બંધાતા તેને ભગાડી ગયો હતો. જે અંગે તેના વિરૃધ્ધ અપહરણ અને બળાત્કાર તથા પોકસો સહીતની કલમો હેઠળ ફરીયાદ થતા તેની ધરપકડ કરાઇ હતી અને જેલમાંથી છુટયા બાદ પિયુષ કુંવરને ભગાડી વતન યુપીમાં લઇ જઇ લગ્ન કરી લીધા હતા અને બંન્નેને એક સંતાનની પણ પ્રાપ્તી થઇ હતી.

ગત સોમવારે પિયુષ તેની પત્ની કુંવર  અને સંતાન સાથે પડવલા જીઆઇડીસીમાં રહેતા તેના પરિવારને મળવા આવ્યો હતો.  એ દરમિયાન ગઇકાલે પ્રેમલગ્નનો ખાર રાખી અલ્ટ્રો કારમાં આવેલા સીનો વાલા, રાદેવ માલાણી તથા વિહળ માલાણીએ પિયુષને મોતને ઘાટ ઉતારી તેની પત્નીનું અપહરણ કરી નાસી છુટયા હતા.

દરમિયાન રૃરલ એસપી જયપાલસિંહ રાઠોડે હત્યા અને અપહરણમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા અલગ-અલગ ટીમો  બનાવી હતી. ગઇકાલે મોડી રાત્રે શાપર-વેરાવળના પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલ તથા રૃરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.વી.ઓડેદરા અને પીએસઆઇ એસ.જે.રાણાની ટીમે શાપર વેરાવળના ભોજા ઉર્ફે શીનો વિભાભાઇ વાલા (ઉ.૨૨), લોધીકાના માખાવડના રાદેવ ઉર્ફે રાજભા જેહળભાઇ માલાણી (ઉ.૨૭) તથા મેટોડા જી.આઇ.ડી.સી.ના ગેઇટ નં. ૧માં ઝુપડામાં રહેતો વિહા ઉર્ફે વિહળ આલાભાઇ માલાણી (ઉ.૩૫)ને દબોચી લીધા હતા તેમજ ત્રણેય આરોપીઓના કબ્જામાંથી અપહૃત પરીણીતાને મુકત કરાવી હતી.

શાપર-વેરાવળ પોલીસે હત્યા અને અપહરણમાં પકડાયેલ આરોપી સિનો વાલા, રાદેવ માલાણી તથા વિહળ માલાણીને આજે ૧૦ દિવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાશે.

આ કામગીરી એલ.સી.બી.ના પી.આઇ. વી.વી.ઓડેદરા, પીએસઆઇ એસ.જે.રાણા, હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, હેડ કોન્સ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, કોન્સ. પ્રકાશભાઇ પરમાર, નૈમીશભાઇ મહેતા તથા શાપર-વેરાવળ પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એસ.ગોહિલ, એએસઆઇ પ્રભાતભાઇ બાલાસરા, હેડ કોન્સ. બ્રીજરાજસિંહ જાડેજા, વિરભદ્રસિંહ વાઘેલા, કોન્સ. રસીકભાઇ દ્વારા કરવામાં આવી હતી

(1:47 pm IST)