રાજકોટ
News of Friday, 12th August 2022

રાજકોટમાં CMના નેતૃત્‍વમાં વિરાટ ત્રિરંગા યાત્રા

હર ઘર ત્રિરંગા... બહુમાળી ભવનથી આન - બાન - શાન સાથે દેશભકિતનો નીકળ્‍યો સૈલાબ : શહેર ત્રિરંગાના રંગે રંગાયુ : દેશભકિતના ગીતોની રમઝટ : શાળા - કોલેજોના વિદ્યાર્થીઓએ આકર્ષણ જમાવ્‍યું : લોકો નાત - જાત - ધર્મ - જ્ઞાતિ ભુલી યાત્રામાં જોડાયા : રાજકોટે વધાર્યો દેશભકિતનો જુસ્‍સો : મેરે દેશ કી ધરતી... એ મેરે વતન કે લોગો... વંદે માતરમ્‌... સંદેશે આતે હૈ ગીતો લાઇવ ગવાયા

રાજકોટ તા. ૧૨ : ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની આગેવાનીમાં આઝાદીના ૭૫માં વર્ષના અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે રાજકોટમાં વિરાટ ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ઠેરઠેર ત્રિરંગાના શણગાર તેમજ વેશભૂષા સાથે જોડાયેલા બાળકો અને દેશભકિતના ગીતોની રમઝટ વચ્‍ચે નીકળેલી આ યાત્રાએ દેશપ્રેમ પ્રત્‍યે જુસ્‍સો વધાર્યો હતો. લોકો નાત - જાત - ધર્મ - જ્ઞાતિ ભુલી આ યાત્રામાં જોડાયા હતા. એ મેરે વતન કે લોગો... મેરે દેશ કી ધરતી... વંદે માતરમ્‌... સંદેશે આતે હૈ સહિતના ગીતો લાઇવ ગવાયા હતા. ૨ કિમી લાંબી યાત્રામાં શાળા - કોલેજોના વિદ્યાર્થીઓએ આકર્ષણ જમાવ્‍યું હતું. બહુમાળી ભવન ખાતે ધીમાધીમા વરસાદમાં શરૂ થયેલી યાત્રા રાષ્‍ટ્રીય શાળા ખાતે સંપન્‍ન થઇ હતી. જેમાં હજારો માણસો ઉમટી પડયા હતા.

સવારે ૮ વાગ્‍યાથી એક કલાકના કાર્યક્રમ બાદ ૯ વાગ્‍યા પછી તિરંગા યાત્રા શરૂ થઇ હતી. મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તમામ ધારાસભ્‍યો - મંત્રીઓ - સાંસદો હાથમાં ભવ્‍ય તિરંગા સાથે ર કી. મી. લાંબી યાત્રામાં દેશભકિતના સૂરો તથા ડીજે- શહીદોને નમન સાથે જોડાયા હતા. અને તેમાં ૧ લાખ એ વધાવી લીધેલ.

 આ ભવ્‍ય તિરંગા યાત્રાનો ર કિ. મી.નો રૂટ બહુમાળી ચોક સરદાર પટેલના સ્‍ટેચ્‍યુથી રાષ્‍ટ્રીય શાળા આખો યાજ્ઞિક રોડનો હતો. રાષ્‍ટ્રીય શાળા ખાતે સમાપન થયું હતું.

સ્‍થળ ઉપર જ જીલ્લા વહીવટી તંત્ર ૩૦ હજાર તિરંગાનું લોકોમાં વિનામૂલ્‍યે વિતરણ કરાયું હતું. આ યાત્રામાં રાજકોટ અને સૌરાષ્‍ટ્રના ૩૦૦ જેટલા સ્‍વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને ખાસ જોડાવા આમંત્રણ અપાતા તેઓ પણ જોડાયા હતા.

આ તિરંગા યાત્રામાં  સસ્‍તા અનાજના દૂકાનદાર એસો. દ્વારા ર૦૦ વેપારીઓ તો રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના ચેરમેન શ્રી વી. પી. વૈષ્‍ણવે પ૦ હજાર વેપારીઓ - તેમના પરીવારો જોડાયા હતા.

 તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ઉપર વિવિધ દેશભકિતના ટેબ્‍લો, રૂટ ઉપર સ્‍ટેજ ઉભા કરી આરકેસી- સેન્‍ટમેરી - સ્‍વા સંસ્‍થા-પોલીસ-સીઆરપીના બેન્‍ડ તથા દેશભકિતના ગીતો સાથે ડીજેની જમાવટ કરી હતી. તમામ એનજીઓ, ધાર્ર્મિક સંસ્‍થાઓ કોલેજ - સ્‍કુલ્‍સ-ડેરી એસો., યુનિવર્સિટી, ઔદ્યોગિક એકમો, ટેલીકોમ, જીઇબી-જીએસટી, રેલ્‍વે-પોસ્‍ટલ - ઇન્‍કમટેક્ષ, બાર એસો. કેમીસ્‍ટ એસો., ડોકટરો, વકિલો, ઇલેકટ્રીક એસો. અમુક પરિવારો- શહેરના તમામ વેપારી એસો. પોલીસ ઘોડેશ્વર - શણગારેલા વાહનો-તમામ પદાધિકારીઓ - મેયર - જીલ્લા પંચાયત પ્રમુખ વિગેરે ખાસ જોડાયા હતા.

આ યાત્રામાં પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્‍સ, પોલીસ બેન્‍ડ, એન.સી.સી. બ્રહ્માકુમારી તથા ગુરૂકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાયા હતા. આ ઉપરાંત ધારાસભ્‍યો, સાંસદો, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, મારવાડી અને આત્‍મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્‍બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્‍જિનિયરિંગ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડોક્‍ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરે જોડાઈને તિરંગા પ્રત્‍યેનો આદરભાવ વ્‍યક્‍ત કર્યો હતો.

આ યાત્રાનાં રૂટ પર વિવિધ સ્‍થળોએ સ્‍ટેજ પરથી દેશભક્‍તિ જગાવતા વિવિધ કાર્યક્રમો રજૂ કરીને યાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

(11:17 am IST)