રાજકોટ
News of Friday, 12th August 2022

રાજકોટની જીલ્લા જેલમાં ૧૮૯૪ બંદીવાન ભાઇ-બહેનોએ રક્ષાબંધન પર્વની કરી ઉજવણીઃ લાગણીભીના દ્રશ્‍યો સર્જાયા

રાજકોટઃ ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની આજે સર્વત્ર ઉજવણી થઇ છે. રાજકોટની જીલ્લા જેલ ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી માટે ખાસ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. જેલમાં રક્ષાબંધન પર્વ ઉપરાંત હરઘર તિરંગા ઉત્‍સવની પણ ઉજવણી થઇ હતી. બંદીવાન એવા કાચા-પાકા મળી ૧૮૯૪ કેદી ભાઇ બહેનોએ આ ઉજવણીનો લાભ લીધો હતો. બંદીવાન ભાઇઓને રાખડી બાંધવા સવારથી જ બહેનો જેલ ખાતે મોટી સંખ્‍યામાં આવી પહોંચતા વેરીફીકેશન બાદ એન્‍ટ્રી અપાઇ હતી. અગાઉ બે વર્ષ સુધી કોરોના નડી જતાં જેલમાં બંધ ભાઇઓને તેમની બહેનો રાખડી બાંધી શકી નહોતી. આ વખતે જેલ તંત્ર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણીની છુટ મળી હોઇ જેલ અધિક્ષકશ્રી બી. ડી. જોષી, નાયબ અધિક્ષકશ્રી આર. ડી. દેસાઇ, પીઆઇ બી. બી. પરમાર, પીઆઇ એમ. આર. ઝાલા અને ટીમોએ રક્ષાબંધન પર્વની બંદીવાન ભાઇ-બહેનો ઉત્‍સાહથી ઉજવણી કરી શકે તેવી વ્‍યવસ્‍થા ગોઠવી હતી. ૧૮૯૪ બંદીવાનમાં ૯૪ મહિલા કેદીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હર ઘર તિરંગા મહોત્‍સવ અંતર્ગત જેલની દરેક બેરેકમાં તિરંગો લગાવવા સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું. જેલમાં રક્ષાબધન પર્વની ઉજવણી વખતે લાગણીભીના દ્રશ્‍યો સર્જાયા હતાં. અમુક ભાઇઓ બહેનના હાથે રક્ષા બંધાવતી વખતે ચોધાર આંસુએ રડી પડયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:45 pm IST)