રાજકોટ
News of Thursday, 12th August 2021

માલિયાસણ પાસે ૬૬ હજારનો દારૂ બીયર ભરેલી કાર સાથે કોમ્યુટર એન્જિનિયર હાર્દિક ટુંડીયા પકડાયો

એસઓજી પીઆઇ આર. વાય. રાવલ અને અને કયુઆરટી પીએસઆઇ જે. એમ. ઝાલાની ટીમે સુભાષભાઇ અને ગિરીરાજસિંહની બાતમી પરથી દબોચ્યોઃ કુલ ૯.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જેઃ દારૂ અને કાર કોણે આપ્યા? તેની તપાસ

રાજકોટ તા. ૧૨: કુવાડવા રોડ પર માલિયાસણ પાસેથી શહેર એસઓજી અને કયુઆરટીની ટીમે રૂ. ૬૬ હજારનો દારૂ -બીયર ભરેલી અર્ટીગા કાર સાથે સામા કાંઠે કનકનગર-૨માં રહેતાં કોમ્પ્યુટર એન્જિનીયર હાર્દિક હેમતભાઇ ટુંડીયા (પ્રજાપતિ-કુંભાર) (ઉ.વ.૨૭)ને ઝડપી લીધો છે. આ શખ્સને વહેલી સવારે પકડી લેવાયો ત્યારે તેણે પ્રારંભે પોલીસને ગેરમાર્ગે દોરી પોતે મોરબી રોડ પર ગિરીરાજ પાર્ટી પ્લોટવાળી શેરીમાં રહેતો ધવલ ઉર્ફ લાલો કાંતિભાઇ જીંજરીયા (કુંભાર) (ઉ.વ.૨૭) હોવાનું કહ્યું હતું. પોલીસે તેની ધરપકડની જાણ કરવા તેના પિતાને ફોન જોડતાં ધવલ નામ તેના ભાઇનું હોવાનું ખુલ્યું હતું.

પોલીસે રૂ. ૪૬૮૦૦નો ૧૫૬ બોટલ દારૂ, રૂ. ૧૯૨૦૦ના ૧૯૨ બીયર, રૂ. ૯ લાખની નંબર વગરની અર્ટીગા કાર તથા બે મોબાઇલ ફોન રૂ. ૨૫ હજારના મળી કુલ રૂ. ૯,૯૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા શખ્સે પ્રારંભે પોતે પિતા સાથે ઇમિટેશનનું કામ કરતો હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ વિશેષ પુછતાછ થતાં પોતે કોમ્પ્યુટર એન્જિનીયર હોવાનું અને અગાઉ એક કોલેજમાં નોકરી કરતો હોવાનું તેમજ હાલમાં નોકરી ન હોઇ અને પત્નિને સારા દિવસો જતાં પૈસાની ખેંચ હોવાથી આ રવાડે ચડ્યાનું કબુલ્યું હતું.

પોતે ટોલનાકા પાસેથી એક શખ્સ પાસેથી આ કાર લઇ આવ્યાનું તેમજ ગ્રીનલેન્ડ ચોકડીએ પોતાને આ ગાડી પહોંચાડવાની હોવાનું રટણ કર્યુ હતું. સાચી વિગતો ઓકાવવા તેની વધુ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ વહેલી સવારે દારૂની હેરાફેરી સહિતની ગેરકાયદે પ્રવૃતિ થતી હોઇ તેના પર વોચ રાખવા અને આવી પ્રવૃતિ શોધી કાઢવા સુચના આપી હોઇ એસઓજી પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા, સુભાષભાઇ ડાંગર, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ આહિર, મોહિતસિંહ જાડેજા તથા કયુઆરટીના પીએસઆઇ જે. એમ. ઝાલા, હેડકોન્સ. સુભાષભાઇ ચાવડા, કોન્સ. ગિરીરાજસિંહ ચુડાસમા, કોન્સ. વિપુલભાઇ પટેલ, રાજેશભાઇ ગોસ્વામી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સુભાષભાઇ ચાવડા અને ગિરીરજસિંહને મળેલી બાતમી પરથી માલિયાસણ પાસેથી નંબર વગરની દારૂ-બીયર ભરેલી અર્ટીગા કાર સાથે ધવલ ઉર્ફ લાલોને ઝડપી લેવાયો હતો.

પ્રાથમિક પુછતાછમાં તેણે પોતાનું નામ ધવલ ઉર્ફ લાલો જણાવ્યું હતું. પણ વિશેષ પુછતાછમાં આ નામ ખોટુ હોવાનું ખુલતાં તે અંગે પોલીસને ગેરમાર્ગે દોરવાનો અલગથી ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. તેના કહેવા મુજબ ટોલનાકે કોઇ તેને આ દારૂ ભરેલી કાર આપી ગયું હતું. ખરેખર સાચી હકિકત શું? તેની તપાસ થઇ રહી છે.

 . હાર્દિકે પકડાઇ ગયા બાદ પોતાનું સાચુ નામ લખાવવાને બદલે પોલીસ સમક્ષ પોતાના ભાઇ ધવલ ઉર્ફ લાલો નામ લખાવી દીધું હતું. તેમજ પોતાના પિતાનું નામ હેમતભાઇને બદલે કાંતિભાઇ અને અટક ટુંડીયાને બદલે જીંજરીયા લખાવી દીધી હતી. પોલીસે ધરપકડની જાણ કરવા તેના પિતાને ફોન જોડી 'તમારા દિકરા ધવલને અમે દારૂ સાથે પકડ્યો છે' તે અંગે જાણ કરતાં તે ચોંકી ગયા હતાં અને કહ્યું હતું કે મારો દિકરો ધવલ તો ઘરે છે, અને મારું નામ કાંતિભાઇ નહિ પણ હેમતભાઇ છે. બીજા દિકરાનું નામ હાર્દિક હોવાનું કહેતાં પોલીસે ઝડપાયેલા અને પોતાને ધવલ ઉર્ફ લાલો ગણાવતાં શખ્સની વિશેષ પુછતાછ કરતાં તેણે સાચુ નામ-સરનામુ આપ્યું હતું. પોલીસને ગેરમાર્ગે દોરતાં અલગથી ગુનો દાખલ કરાયો છે. કોમ્પ્યુટર એન્જિનીયરીંગના છેલ્લા વર્ષમાં તે ૯૯ ટકા સાથે પાસ થયો હતો.

(3:46 pm IST)