રાજકોટ
News of Thursday, 12th August 2021

શીતલ પાર્ક મેઇન રોડ પર મ.ન.પા.ની ૭ કરોડની જમીન પચાવી પાડવાનું કારસ્તાનઃ ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

ટી.પી. સ્કીમનાં મ.ન.પા.ની માલીકીનાં પ્લોટમાં રાતોરાત છાપરા, લોખંડ જાળી, ચાનો થડો, દરવાજો મુકી ગેરકાયદે હોટલના બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું

રાજકોટ તા. ૧રઃ શહેરનાં વોર્ડ નં. ર માં આવેલ શીતલ પાર્ક મેઇન રોડ પર મ.ન.પા.ની માલીકીનાં પ્લોટમાં રાતોરાત ચાની હોટલનું ગેરકાયદે બાંધકામ કરી ૧ર૭૦ ચો.મી.નો ૭ કરોડની કિંમતી જમીનનો પ્લોટ પચાવી પાડવાનું કારસ્તાન ટાઉન પ્લાનીંગ વિભાગે નિષ્ફળ બનાવી અને આ ગેરકાયદે બાંધકામ ઉપર આજે બુલડોઝર ફેરવી દીધું હતું.

આ અંગે ટાઉનપ્લાનીંગ વિભાગે સતાવાર જાહેર કરેલી વિગતો મુજબ કમિશ્નરશ્રી અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ર માં શીતલ પાર્ક મેઇન રોડ પર અનામિકા સોસાયટીના ખુણે રાજકોટની ટી.પી. સ્કીમ નં. ૯ ના અંતિમ ખંડ નં. સી/૪ તથા ર૪.૦૦ મી. ના ટી.પી. રોડ પર ગેરકાયદેસર થયેલા છાપરા, ચા નો થડો, ગેઇટ, લોખંડની પરલીન દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને આ બિનઅધિકૃત બાંધકામ દૂર કરી, અંદાજે ૭ (સાત) કરોડની કિંમતની ૧ર૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ હતી.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોન એ.ટી.પી. શ્રી અઢિયા સહિતનો તમામ સ્ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ હતો.

(2:58 pm IST)