રાજકોટ
News of Friday, 11th September 2020

સ્વાશ્રય સોસાયટીના કાંતિલાલ ખુંટને ગીતાનગરમાં પરેશ બોરીચાએ પાઇપથી ફટકારી ધમકી દીધી

વૃધ્ધના પુત્રએ ઉછીના લીધેલા રૂ. ૨.૩૦ લાખની ઉઘરાણીના હપ્તા મામલે માથાકુટ

રાજકોટ તા. ૧૧: સ્વાશ્રય સોસાયટીના પટેલ વૃધ્ધને તેઓ ગીતાનગરમાં હતાં ત્યારે એક શખ્સે આ વૃધ્ધના પુત્ર પાસેથી લેવાના હપ્તાના પૈસાની ઉઘરાણી કરી તેને પાઇપ-ડીસમીસથી ઇજા કરી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

આ અંગે ભકિતનગર પોલીસે ઢેબર રોડ સ્વાશ્રય સોસાયટી-૧ના ખુણે શિવાનંદ હોસ્પિટલ ફોર્ચ્યુન હાઇટ્સ-૨૨૦૧ બીજા માળે રહેતાં કાંતિલાલ દેવજીભાઇ ખુંટ (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી સહકાર રોડ પર પીપળીયા હોલ નજીક દામજી મેપા પ્લોટમાં રહેતાં પરેશ બોરીચા વિરૂધ્ધ આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.

કાંતિલાલ ખુંટે ફરિયાદમાં જણાવ્યું છે કે હું નિવૃત જીવન ગાળુ છું. ૧૦મીએ બુધવારે સાંજે સાડા સાતેક વાગ્યે હું ગીતાનગર મેઇન રોડ પર જય સિયારામ ફરસાણની બાજુમાં રાધીકા મોટર ગેરેજવાળો મારો પ્લોટ છે ત્યાં હાજર હતો ત્યારે પરેશ બોરીચાએ આવી ગાળો દઇ લોખાંડના પાઇપથી મને પગ અને હાથ તેમજ મોઢાના ભાગે માર માર્યો હતો. તેમજ ડીસમીસથી ઇજા કરી મારી નાંખવાની ધમકી આપી હતી. આ વખતે રાધીકા ગેરેજવાળા જગદીશભાઇ આવી જતાં તે જતાં જતાં ધમકી આપી જતો રહ્યો હતો. ફોન પર પણ તે હજુ ધમકી આપે છે.

મારા દિકરા હિરેને અગાઉ પરેશ બોરીચા પાસેથી રૂ. ૨,૩૦,૦૦૦ હાથ ઉછીના લીધા હતાં. જેના હપ્તાની ઉઘરમાણી મામલે બોલાચાલી કરી તેણે આ હુમલો કર્યો હતો. રૂ. ૨૨૫૦૦નો હપ્તો માંગતાં મેં તેને આપી પણ દીધો હતો. છતાં તેણે ગાળો દઇ ધમકી દીધી હતી.

કાંતિભાઇની ઉપરોકત ફરિયાદ પરથી એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચાએ ગુનો નોંધ્યો હતો. હેડકોન્સ. જયેશભાઇ જાટીયા વધુ તપાસ કરે છે.

(12:51 pm IST)