રાજકોટ
News of Thursday, 11th August 2022

પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં ૪૦ બેડનો વેન્‍ટીલેટરની સુવિધા સાથેનો આઇસીયુ વિભાગ ધમધમવા માંડયો

અગાઉ જ્‍યાં કોવિડ હોસ્‍પિટલ હતી એ સુપર સ્‍પેશિયાલિટી બિલ્‍ડીંગના પાંચમા માળે આખો વિભાગ શરૂ કરાયોઃ વેન્‍ટીલેટર માટે દર્દીઓને હવે ખાનગી હોસ્‍પિટલમાં જવું નહિ પડેઃ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી

રાજકોટ તા. ૧૧: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં અગાઉ કોઇ દર્દીઓને ઇમર્જન્‍સીમાં વેન્‍ટીલેટર પર રાખવાની જરૂરિયાત ઉભી થતી ત્‍યારે વેન્‍ટીલેટરની સુવિધા ઓછી હોઇ દર્દીઓને નાછુટકે ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવા પડતાં હતાં. એવા સમયે જો દર્દીની આર્થિક હાલત અત્‍યંત નબળી હોય તો તેમના માટે અનેક મુશ્‍કેલીઓ ઉભી થતી હતી. પરંતુ હવે કોઇપણ દર્દીઓને સિવિલ હોસ્‍પિટલમાં જ વેન્‍ટીલેટરની સુવિધા મળી રહે તે માટે વધારાની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. અગાઉ જે બિલ્‍ડીંગને કોવિડ-૧૯ માટે ફાળવી દેવામાં આવ્‍યું હતું તે પીએમએસવાયએમ બિલ્‍ડીંગમાં હવે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે અને વેન્‍ટીલેટર સાથેના ૪૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ અગાઉ સિવિલ હોસ્‍પિટલમાં કોઇપણ દર્દીને સર્જીકલ, મેડિસીન કે આઇસીયુની સારવારની જરૂર હોય તેને લાવવામાં આવે ત્‍યારે ઘણીવાર દર્દીની હાલત ગંભીર હોય તો તેને વેન્‍ટીલેટર પર રાખવાની જરૂરિયાત ઉભી થતી હતી.  પરંતુ અગાઉ આ સુવિધા અપુરતી હોઇ દર્દીને ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવા પડતાં હતાં. આ તકલીફ હવે દૂર થઇ ચુકી છે. તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી અને તેમની ટીમે પીએમએસવાયએમ બિલ્‍ડીંગના પાંચમા માળે ૪૦ બેડનો આઇસીયુ વિભાગ શરૂ કર્યો છે.

અહિ દરેક બેડ પર વેન્‍ટીલેટરની સુવિધા રાખવામાં આવી છે. એક જ વિભાગમાં દરેક પ્રકારના દર્દીઓ કે જે વેન્‍ટીલેટર પર રાખવાની જરૂરીયાત જણાય તો તેને અહિ દાખલ કરી સારવાર આપી શકાય છે. છેલ્લા કેટલાક દિવસોથી નવા સુપરસ્‍પેશિયાલિટી બિલ્‍ડીંગમાં પાંચમા માળે શરૂ થઇ ચુકેલી આ સુવિધાનો અત્‍યાર સુધીમાં અનેક દર્દીઓને લાભ મળી ચુક્‍યો છે. આ સુવિધાને કારણે હવે વેન્‍ટીલેટરના અભાવે ગરીબ અને જરૂરીયાતમંદ સહિતના કોઇપણ દર્દીઓને ખાનગી હોસ્‍પિટલમાં જવાની નોબત નહિ આવે તેમ જણાય છે.

પાંચમા માળે એક જ વિભાગમાં દસ-દસના પાર્ટમાં ચાલીસ આવા બેડ ઉભા કરાયા છે. આ ખાસ આઇસીયુ વિભાગમાં પુરતા વેન્‍ટીલેટર પણ ઉપલબ્‍ધ કરવામાં આવ્‍યા છે.

(4:42 pm IST)