રાજકોટ
News of Saturday, 11th June 2022

સોૈરાષ્‍ટ્ર કલા કેન્‍દ્રમાં પડોશીઓ વચ્‍ચે ગાળાગાળીઃ એક બીજાને ધમકી આપી

જીજ્ઞેશભાઇ ગણાત્રા અને રાજેન્‍દ્રભાઇ દવેની સામસામી ફરિયાદઃ બાંધકામ બાબતે આર.એમ.સી.માં અરજી કરી હોઇ તેનું મનદુઃખ

રાજકોટ તા. ૬: સોૈરાષ્‍ટ્ર કલા કેન્‍દ્રમાં રહેતાં પડોશીઓ વચ્‍ચે બાંધકામ બાબતે અરજી કરવા મામલે થયેલી બોલાચાલી બાદ ગાળાગાળી થતાં અને ધમકી અપાતાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે.

સોૈરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર-૧૦માં શ્રી મકાનમા઼ રહેતાં વેપારી જીજ્ઞેશભાઇ બિપીનભાઇ ગણાત્રા (ઉ.૪૩)ની ફરિયાદ પરથી પોલીસે તેમના પડોશી રાજુભાઇ દવે, ભાર્ગવભાઇ દવે વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. જ્‍યારૈ રાજેન્‍દ્રભાઇ લાભશંકરભાઇ દવે (ઉ.૬૪)ની ફરિયાદ પરથી જીજ્ઞેશભાઇ, તેના ભાઇ રવિભાઇ અને જતીનભાઇ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે.

જીજ્ઞેશભાઇએ પોલીસને જણાવ્‍યું છે કે અમે પડોશી રાજુભાઇની બાજુનુ મકાન ખરીદ કર્યુ છે અને તેનું જુનુ બાંધકામ હોઇ તે પાડીને નવું બાંધકામ કરવાનું ચાલુ કર્યુ હોઇ પડોશી રાજુભાઇ દવે આર.એમ.સી. ટી.પી. શાખામાં અરજી કરી અમે ગેરકાયદે બાંધકામ કરીએ છીએ એવી ખોટી રજૂઆતો કરતાં હોઇ તેમને આ રીતે હેરાન નહિ કરવા સમજાવતાં તેણે ફરિયાદ નહિ કરવા માટે સમાધાનના પાંચ લાખ માંગી ગાળો દઇ તારું બાંધકામ તોડી નાંખજે નહિતર મારી નાંખશું તેવી ધમકી આપી હતી. સામા પક્ષે રાજેન્‍દ્રભાઇ દવેએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે અમારી બાજુમાં જીજ્ઞેશભાઇએ મકાન ખરીદ કર્યુ છે. જુનુ બાંધકામ પાડી નવુ કરતાં હોઇ તેમાં ગેરકાયદે બાંધકામ થતું હોવાનું અમને લાગતાં ટી.પી. શાખામાં અરજી કરી હતી. જેથી આ બાંધકામ પાડવાનો આર.એમ.સી. તરફથી આદેશ થયો હતો. જેનો ખાર રાખી ફરિયાદ પાછી ખેંચવાનું કહી મને તથા સાહેદ ભાર્ગવભાઇને ગાળો દઇ મારી નાખવાની ધમકી અપાઇ હતી. બંને બનાવમાં પીએસસાઇ એમ. વી. લુવાએ ફરિયાદની કાર્યવાહી કરતાં આગળની તપાસ એએસઆઇ જયસુખભાઇ હુંબલે હાથ ધરી છે.

(3:06 pm IST)