મોરબી પગે લાગવા જતી વખતે મિતાણાં પાસે રસ્તો ઓળંગતી વખતે બનાવ
કારની ઠોકરે ચડતાં પાંજરાપોળના ૧૦ વર્ષના ગોતમનું પિતાની નજર સામે જ મોતઃ પિતા મુકેશભાઇને ઇજા
રાજકોટ તા,૧૦ : ટંકારાના મીતાણા નજીક અકસ્માતમાં રાજકોટના દસ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે જ્યારે પિતાને ઈજા થઈ હતી. રાજકોટનો પરિવાર મોરબી પગે લાગવા જતો હતો ત્યારે હોટલે ચા-પાણી પીધા બાદ રસ્તો ઓળંગતી વેળાએ પુરપાટ ઝડપે આવતી કારની ઠોકરે ચડી જતા અકસ્માત સર્જાયો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
મળતી વિગત મુજબ રાજકોટમાં પાંજરાપોળ પાસે મફતિયાપરામાં રહેતા મુકેશભાઈ રામજીભાઈ મકવાણા (ઉ.૪૦) તેનો ૧૦ વર્ષનો પુત્ર ગૌતમ અને અન્ય સંબંધીઓ રાત્રે ઈકો કારમાં મોરબી માતાજીના દાણા જોવડાવવા જતા હતા ત્યારે ટંકારાના મીતાણા નજીક હોટલે ચા-પાણી પીવા ઉભા રહ્યા હતા અને રસ્તો ઓળંગતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે પિતા-પુત્રને ઠોકરે ચડાવતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગૌતમનું આજે સવારે મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ગૌતમ એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. તેના પિતા મુકેશભાઈ મજુરી કામ કરે છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ટંકારા પોલીસને જાણ કરી છે. જ્યારે એકના એક પુત્રના મોતથી કોળી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.(૯.ર૪)