રાજકોટ
News of Friday, 10th September 2021

આચારસંહિતા છતા પંચાયતની સામાન્ય સભા બોલાવાતા વિપક્ષી નેતા ચોકયા : શાસકોને પત્ર

જયાં પેટાચૂંટણી છે તે વિસ્તાર જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં જ આવે છે

રાજકોટ તા. ૧૦ :.. જિલ્લા પંચાયત પ્રમુુખ ભુપત બોદર ૧પમાં નાણાપંચ હેઠળના વિકાસ કામોનો નિર્ણય લેવા તા.૧પમીએ બપોરે ખાસ સામાન્ય સભા બોલાવતા નીતી-નિયમ સંદર્ભે ચોંકી ઉઠેલા વિપક્ષ કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયાએ સામાન્ય સભા બોલાવવી અને તેની કાર્યવાહી કાયદેસરતા બાબતે ખુલાસો પુછતો પત્ર પ્રમુખ ડી.ડી.ઓ. કલેકટરને પાઠવ્યો છે.તેમણે પત્રની નકલ વિકાસ કિમશનરને પણ મોકલી છે. અર્જુન ખાટરીયાએ પત્રમાં જણાવ્યુ છે કે તા. ૬ ના રોજ જિલ્લા પંચાયતની બે બેઠકોની પેટાચૂંટણી જાહેર થઇ ગઇ હોવા છતાં બીજા દિવસે તા. ૭ મીએ સામાન્ય સભાનો એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સામાન્ય સભામાં ગ્રાન્ટના આયોજનનો મુદ્ે લેવામાં આવેલ છે. જો એની ફાળવણી તાલુકાવાર કરવાની હોય તો સીધો લોકોને અને આચારસંહિતાને સ્પર્શતો મુદો  છે. આચારસંહિતા  આખા જિલ્લાના કાર્યક્ષેત્રને સ્પર્શે છે. ર૦૧૮ માં જસદણની પેટાચૂંટણી વખતે અગાઉથી સામાન્ય સભાનો એજન્ડા પ્રસિધ્ધ થઇ ગયો હોવા છતાં સામાન્ય સભામાં તમામ મુદા મોકૂફ રાખવામાં આવ્યા હતાં. હાલના કિસ્સામાં તો પેટાચૂંટણી જાહેર થયા પછી સામાન્ય સભાનો એજન્ડા પ્રસિધ્ધ થયો છે. આચારસંહિતાનો ભંગ થાય છે કે કેમ ? તે જણાવસો તેવી આશા રાખું છું.

(4:12 pm IST)