રાજકોટ
News of Friday, 10th September 2021

નાના મવા ચોકડીએથી મારા ઉઘરાણીના ૪૦ લાખ લઇ આવ...મિત્રને ત્યાં મોકલી તેના ઘરમાં સુરેશનો આપઘાત

રૈયા રોડ વર્ધમાનનગરના કુંભાર યુવાને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં મિત્ર સંજયના ઘરમાં ગળાફાંસો ખાઇ લીધોઃ એક વર્ષનો પુત્ર અને પાંચ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી : મિત્ર નાના મવા ચોકડીએ પહોંચ્યો પણ કોઇ પૈસા આપવા ન આવ્યું: સુરેશે ફોન ન ઉપાડતાં ઘરે આવી જોતાં તે લટકતો મળ્યો : ચિઠ્ઠીમાંલખ્યું-મહેબૂબ અને તેનો દિકરો દર મહિને ૨૫ હજારનું વ્યાજ માંગી ધમકી દેતા'તા એટલે કંટાળ્યો છું: આક્ષેપો અંગે તપાસ

રાજકોટ તા. ૧૦: રૈયા રોડ પર વર્ધમાન નગર સોસાયટીમાં રહેતાં અને લાદીકામની મજૂરી કરતાં કુંભાર યુવાન સુરેશ પરષોત્તમભાઇ અજમેરીયા (ઉ.વ.૨૭)એ ગઇકાલે સાંજે નજીકના ગાંધીગ્રામ શાસ્ત્રીનગર-૮માં રહેતાં પોતાના મિત્ર સંજયના ઘરે જઇ તેને તું અને બીજો મિત્ર હાર્દિક નાના મવા ચોકડીએથી મારા રૂ. ૪૦ લાખ એક વ્યકિત પાસેથી લેવાના છે તે લઇ આવો તેમ કહી બાઇક પર મોકલ્યા બાદ મિત્ર સંજયના ઘરમાં પ્લાસ્ટીકની નવીનક્કોર દોરીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. વ્યાજની ઉઘરાણી માટે મહેબૂબ અને તેનો પુત્ર લાલો ધાકધમકી આપતાં હોવાનું અને ચાર લાખનું દર મહિને ૨૫ હજાર વ્યાજ માંગતા હોવાનું તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું હોઇ પોલીસે આક્ષેપો અંગે તપાસ શરૂ કરી છે.
વિગત એવી છે કે શાસ્ત્રીનગર-૮માં રહેતાં સંજય નામના યુવાનના ઘરે વર્ધમાનનગરમાં રહેતો તેનો મિત્ર સુરેશ અજમેરીયા આવ્યો હતો અને કહ્યું હતું કે- મારે જેથી પાસેથી ૪૦ લાખ લેવાના છે એ ભાઇ નાના મવા ચોકડીએ ઉભા છે, તું જઇને લઇ આવ. તમે ત્યાં પહોંચો એટલે એ ભાઇના નંબર આપીશ. આ વખતે બીજો મિત્ર હાર્દિક પણ ત્યાં હાજર હોઇ તેને પણ સુરેશે સાથે મોકલ્યો હતો. બંને મિત્રો નાના મવા ચોકડીએ ગયા હતાં. પરંતુ થોડીવાર રાહ જોયા પછી સુરેશનો ફોન ન આવતાં અને તેણે ફોન રિસીવ ન કરતાં બંને પરત ઘરે આવ્યા હતાં. દરવાજો અંદરથી બંધ હોઇ તોડીને જોતાં સુરેશ લટકતો મળ્યો હતો. આ જોઇ બંને મિત્રો હતપ્રભ થઇ ગયા હતાં. 
૧૦૮ના ઇએમટીએ સુરેશને મૃત જાહેર કરતાં અને પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. સાજીદભાઇ ખેરાણી સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે તેણે મહેબૂબ અને તેના દિકરા લાલા પાસેથી વ્યાજે રૂપિયા લીધા છે. દર મહિને ૨૫ હજાર વ્યાજ માંગી આ બંને ધમકાવે છે અને દિકરીને ઉપાડી જવાની ધમકી આપે છે. આથી પોતે કંટાળી જતાં આ પગલુ ભર્યુ છે.
આપઘાત કરનાર સુરેશ ત્રણ ભાઇમાં વચેટ હતો. બધા ભાઇઓ અને માતા અલગ અલગ રહે છે. સુરેશ પત્નિ સાથે રહેતો હતો. તેણે સાત વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતાં. સંતાનમાં ૧ વર્ષનો પુત્ર અને ૫ વર્ષની દિકરી છે. સુરેશને જૂગાર રમવાની ટેવ હોવાનું તેના કુટુંબીઓએ પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું. સ્યુસાઇડ નોટમાં લખેલા આક્ષેપો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આપઘાત કર્યો એ દોરી નવી જ હોઇ સુરેશ બહારથી ખરીદીને લાવ્યાનું જણાયું હતું. પોલીસે તપાસ યથાવત રાખી છે.

 

(3:33 pm IST)