રાજકોટ
News of Friday, 10th September 2021

''વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ નિર્વિઘ્નં કુરૂ મે દેવ સર્વકાર્યેષૂ સર્વદા''

ગણપતિ બાપા મોરીયા... મંગલમૂર્તિનું માનભેર સ્થાપન

ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ : દાદાના વાજતેગાજતે સામૈયા : સવાર સાંજ આરતીની ઝાલરો રણઝણશે : અનેક સ્થળે સ્થાપન

રાજકોટ તા. ૧૦ : પાર્વતી પૂત્ર ગણેશજીને ભાવથી ભજવાના મહામૂલા મહોત્સવનો આજે ગણેશ ચતુર્થીના પ્રારંભ થતા રાજકોટ ઓળઘોળ બન્યુ છે. દુંદાળા દેવને ભજવા જાણે હ્ય્દય બીછાવ્યુ હોય તેમ ઘરે ઘરે અને ચોકે ચોકે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યુ છે.

આજથી લગાતાર ૧૦ દિવસ સુધી દાદાના પૂજન, અર્ચન, આરતી અને ધૂન સત્સંગના કાર્યક્રમ ચાલતા રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર સાથે ભકિતભાવ ચરમસીમાએ પહોંચશે. ભાવિકો દર્શન અને પ્રસાદનો લ્હાવો લઇ ધન્ય બનશે.

શહેરભરમાં આયોજીત ગણેશ મહોત્સવ નિમિતેના કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

સુભાષનગરમાં ગણેશ સ્થાપન

સુભાષનગરમાં આમ્રપાલી સીનેમા પાસે શંખેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશાળ મંડપમાં સુશોભન સાથે આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. દસ દિવસ પૂજા આરતી થશે. લતાવાસીઓના સહયોગથી શેરીન બન્ને સાઇડોમાં કમાન સાથે રંગબેરંગી લાઇટીંગ ડેકોરેશન કરાયુ છે. ધર્મપ્રેમીઓએ દર્શનનો લાભ લેવા ઉમેશભાઇએ અનુરોધ કરેલ છે.

માસ્તર સોસાયટીમાં ગણેશજીનું સ્થાપન

કોઠારીયા કોલોનીમાં ગજાનન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે. માસ્તર સોસાસયટી ૭/૩ ખાતે આજે 'કોઠારીયા કોલોની કા મહારાજ'નું સ્થાપન કરવામાં આવેલ. ૧૧ દિવસ સુધી ધાર્મિક અનુષ્ઠા તેમજ દરરોજ સવારે અને સાંજે ૭.૩૦ વાગ્યે મહાઆરતી કરાશે. છેલ્લા ૨૫ વર્ષથી ગજાનન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે.

સદ્દગુરૂ આશ્રમ

પૂ. શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ દ્વારા આજથી તા. ૧૯ મી સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે. સવારે વાજતે ગાજતે દાદાની મુર્તિના સામૈયા કરાયા હતા. દરરોજ સવારે ૭ વાગ્યે મંગળા આરતી, ૧૦.૪૫ વાગ્યે થાળ ધરાવી મધ્યાહન આરતી કરાશે. રાત્રે ૮ વાગ્યે સંધ્યા આરતી થશે. રવિવારે સાંજે ૪ થી ૭ સત્યનારાયણની કથા રાખેલ છે.

(3:29 pm IST)