રાજકોટ
News of Friday, 10th September 2021

મ.ન.પા.ને આવાસ યોજનાના ફલેટના હપ્તાની ૬૮.૮૩ કરોડની આવક છેલ્લા ૫ મહીનામાં થઇ

રાજકોટ,તા. ૧૦: આજ દિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ આવાસ યોજનાઓ અંતર્ગત ૩૧,૦૦૦થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – ૧,૨,૩, રાજીવ આવાસ યોજના, ગુરૂજીનગર, ધરમનગર, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓમાં આવાસના હપ્તા પેટે રાજકોટ મહાનગરપાલિકાને થયેલ આવકની વિગત નીચે મુજબ છે.

તા.૦૮/૦૯/૨૦૨૧ના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૧,૦૫,૬૦,૦૬૯/- (એક કરોડ પાંચ લાખ સાઈઠ હજાર ઓગણસીતેર પુરા)ની આવાસના હપ્તા પેટે આવક થયેલી છે.

તા.૦૧/૦૯/૨૦૨૧ થી તા. ૦૯/૦૯/૨૦૨૧ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૬,૫૧,૭૨,૪૦૧/- (છ કરોડ એકાવન લાખ બોતેર હજાર ચારસો એક પુરા)ની આવાસના હપ્તા પેટે આવક થયેલી છે.

તા.૨૩/૦૬/૨૦૨૧ થી તા.૦૯/૦૯/૨૦૨૧ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૩૮,૧૯,૮૩,૫૭૪/- (આડત્રીસ કરોડ ઓગણીસ લાખ ત્યાસી હજાર પાંચસો ચુમોતેર પુરા)ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે.

તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૦૯/૦૯/૨૦૨૧ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૬૮,૮૩,૨૨,૭૯૮/- (અડસઠ કરોડ ત્યાસી લાખ બાવીસ હજાર સાતસો અઠ્ઠાણું પુરા)ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે.

હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વેસ્ટ ઝોન પેકેજ ૫ અને ૬ અંતર્ગત EWS – 2 પ્રકારના ૧૬૭૬ તેમજ GHTC - i અંતર્ગત EWS – 2  પ્રકારના ૧૧૪૪ આવાસો માટેના એલોટમેન્ટ લેટર વિતરણ શરુ છે જે અન્વયે જે લાભાર્થીઓ દ્વારા એલોટમેન્ટ લેટર લેવામાં આવેલ નથી કે આવાસ પેટેના હપ્તા ભરપાઈ કરેલ નથી તેઓને તાત્કાલિક આવાસ યોજના વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ, રાજકોટનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે.

વધુ ૧ રેઢિયાળ ફલેટને તાળુ લગાવાયું

શહેરમાં બનાવવામાં આવેલ વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબજો કરેલ આવાસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૦૮-૦૯-૨૦૨૧ અને તા. ૦૯-૦૯-૨૦૨૧ના રોજ BSUP-1 આવાસ યોજનાની વિવિધ સાઈટ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન BSUP – 1 આવાસ યોજનામાં RMC હસ્તકના કુલ ૬૧ આવાસ પૈકી ૩૪ આવાસમાં અને મુખ્યમંત્રી આવાસ યોજનાની LIG પ્રકારની છત્રપતિ શિવાજી સાઈટ ખાતે ૧૭ આવાસ ચેક કરતા ૪ આવાસ લોકમાન્ય તિલક સાઈટ ખાતે ૧૨ આવાસ ચેક કરતા ૧ આવાસમાં તાળા તૂટેલા મળી આવતા મહાનગરપાલિકાના તાળા લગાવવામાં આવ્યા હતા.

આવાસ યોજનામાં ગેરકાયદેસર કબજો કરી રહેતા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૦૮/૦૯/૨૦૨૧ના રોજ BSUP – 1 આવાસ યોજનાની ત્રિલોક પાર્ક સાઈટ ખાતે ૪૯ આવાસ ચેક કરતા ૨૯ આવાસમાં, ઈન્ડીયન પાર્ક સાઈટ ખાતે ૧૨ આવાસ ચેક કરતા ૫ આવાસમાં તાળા તુટેલા/બદલાયેલા મળી આવતા RMCના તાળા લગાવી દેવામાં આવ્યા હતા તેમજ તા. ૦૯/૦૯/૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી આવાસ યોજનાની LIG પ્રકારની છત્રપતિ શિવાજી સાઈટ ખાતે ૧૭ આવાસ ચેક કરતા ૪ આવાસમાં, લોકમાન્ય તિલક સાઈટ ખાતે ૧૨ આવાસ ચેક કરતા ૧ આવાસમાં તાળા તુટેલા/બદલાયેલા મળી આવતા RMC ના તાળા લગાવી દેવામાં આવેલ છે.

(3:25 pm IST)