રાજકોટ
News of Friday, 10th September 2021

ટોળુ જોઇ ઉભેલા દેવેન્દ્રસિંહને 'તું શું કામ ઉભો રહ્યો?' કહી બે શખ્સે ગાળો ભાંડી છરી ઝીંકી દીધી

અજય અને રોહિત ઉર્ફ ટકા સામે ગુનો નોંધી શોધતી પોલીસ

રાજકોટ તા. ૧૦: રૈયાધાર સ્લમ કવાર્ટર આશાપુરા ચોકમાં રહેતો યુવાન બાઇક હંકારીને જતો હતો ત્યારે રસતામાં ટોળુ જોઇ ઉભો રહેતાં ટોળામાંથી આવેલા બે શખ્સે તું શું કામ ઉભો રહ્યો? કહી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી છરી ઝીંકી દેતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે પોલીસે રૈયાધાર સ્લમ કવાર્ટર નં. ૬૫૦ આશાપુર ચોક રામાપીર ચોકડી નજીક સરકારી સ્કુલ નં. ૯૧ની બાજુમાં રહેતાં દેવેન્દ્રસિંહ વિનુભા જાડેજા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી અજય અને રોહિત ઉર્ફ ટકો સામે ગુનો નોંધ્યો છે.

દેવેન્દ્રસિંહે હાલમાં જ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુરો કર્યો છે. તેના કહેવા મુજબ પોતે સાંજે આઠેક વાગ્યે ઘરેથી નીકળી જોકીયા હનુમાનજીના મંદિર પાસે જતો હતો ત્યારે ઘર નજીક રસ્તામાં એલ એન્ડ ટી કંપનીના ગેઇટ પાસે ટોળુ ભેગુ થયું હોઇ પોતે જોવા ઉભો રહ્યો હતો. આ વખતે ટોળામાં અજય અને રોહિત ઉર્ફ ટકો પણ હતાં. જેને પોતે જોયે ઓળખે છે. એ પછી અજય ટોળામાંથી સામે આવ્યો હતો અને 'તું શું કામ ઉભો છો?' કહી ગાળો દેવા માંડ્યો હતો. તેને ગાળો દેવાની ના પાડતાં રોહિત ઉર્ફ ટકો પણ આવી ગયો હતો અને બંનેએ ગાળો ભાંડી હતી અને ઝઘડો કરી અજયએ પેન્ટના નેફામાંથી છરી કાઢી ડાબા હાથે ઘા ઝીંકી દીધો હતો અને રોહિત ઉર્ફ ટકાએ ઢીકાપાટુ માર્યા હતાં.

હુમલો થતાં દેવેન્દ્રસિંહ બચીને ભાગવા જતાં પડી જતાં ડાબા પગમાં પણ ઇજા થઇ હતી. એ પછી તેણે પિત્રાઇ ભાઇ યુવરાજસિંહને ફોન કરી બોલાવતાં ૧૦૮ મારફત સિવિલમાં ખસેડવામાં આવતાં સારવાર અપાઇ હતી. હેડકોન્સ. ભગીરથસિંહ જે. ખેરે ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ આદરી છે. 

(11:08 am IST)