રાજકોટ
News of Friday, 10th September 2021

કાલે સ્થાનકવાસી સમાજ મિચ્છામી દુક્કડમ પાઠવશેઃ દિગંબર સમાજના પર્યુષણ પર્વનો ધર્મભીનો પ્રારંભ

મૂર્તિપૂજક જૈનોએ સર્વ જીવોની ક્ષમા યાચી : સંવત્સરી પર્વે ધર્મોલ્લાસ

દેરાવાસી સમાજના નાની-મોટી તપસ્યા કરનાર શ્રાવક-શ્રાવિકાઓના કાલે પારણા

રાજકોટ,તા.૧૦: આજે દેરાવાસી સમાજે સંવત્સરી પ્રતિક્રમણ કરી સર્વ જીવોને ખમાવી ક્ષમાયાચના માંગી પર્યુષણ મહાપર્વની આઠ-આઠ દિવસ ધર્મ આરાધના દ્વારા પુણ્યનંુ ભાથુ બાંધેલ. આજે જિનાલયોમાં પૂ.ગુરૂ ભગવંતોએ શ્રી ભદ્રબાહુ સ્વામી વિરચિત બારસા સુત્ર પર વ્યાખ્યાન આપેલ.

જેમાં દરેક સંઘોમાં શ્રાવક-શ્રાવિકાઓની ભરચક ઉપસ્થિતી રહી હતી. આજે મૂર્તિપૂજક જૈનોએ સવંત્સરી પ્રતિક્રમણ કરીને સર્વ જીવોને ખમાવ્યા હતા. આવતીકાલે દેરાવાસી જૈન સમાજમાં તપસ્વીઓના પારણા યોજાશે.

સ્થાનકવાસી જૈનો આવતીકાલે સંવત્સરી પર્વ ઉજવશે અને રવિવારે તપશ્ચર્યાના પારણા કરશે. સંવત્સરી પર્વ નિમિતે ઉપાશ્રયોમાં પૂ. ગુરૂભગવંતો અને મહાસતીજી વૃંદની નિશ્રામાં સંવત્સરી જૈન સંઘોમાં તપસ્વીઓના સમુહ પારણા તથા ક્ષમાપનાના કાર્યક્રમ યોજાશે.

પર્વાધિરાજ પર્યુષણના આઠ આઠ દિવસની ધર્મ આરાધના પછી જૈન સમાજ પોતાના હાથે જાણતા-અજાણતા થયેલી ભૂલોની આલોચના કરી. હૃદયમાંથી વૈર,ક્રોધ આદી અનિષ્ટોને દૂર કરી પ્રત્યેક જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખીને મન અને આત્માને વિશૂધ્ધ કરી પોતાનામાંથી થયેલા પાપોની આલોચના કરે છે.

શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે ક્ષમા આપે છે અને માગે છે તે જે જૈન દર્શનનો  સાચો આરાધક છે. સંસારમાં અંનતકાળથી ક્રોધ, વેર,ઇર્ષા, લિપ્સા, પરીગ્રહ, સંતાપ આદી અનિષ્ટ તત્વો વિચરતા હોય છે. તત્વોએ અનેકના જીવતર પીંખી નાખ્યા હોય છે અનેક પરિવારોમાં આગ નાખી હોય છે. ત્યાં અનિષ્ટોને આશ્રય મળે છે. અને જ્યાં જ્ઞાનરૂપી પ્રકાશ હોય ત્યાં અનિષ્ટો પળ માટે પણ ટકી શકતા નથી.

આજે મૂર્તિપુજક જૈન સમાજમાં સંવત્સરી પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ દરેક જીવોને 'મિચ્છામી દુક્કડમ'કહીને ક્ષમાનું આદાન-પ્રદાન કરશે. સ્થાનકવાસી જૈન સમાજ શનિવારે મોટા પ્રતિક્રમણ પછી અરસ-પરસ ખમાવીને જાણતા-અજાણતા થયેલ ભૂલોનો પર્વાધિરાજ પર્યુષણમાં પશ્ચાતાપ કરશે.

આજથી દિગંબર સમાજના દસલક્ષણા પર્યુષણ મહાપર્વનો ધર્મ આરાધનાથી પ્રારંભ થયો છે. દિગંબર જિન મંદિરમાં અભિષેક, વિધાનપૂજા, શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર સ્વાધ્યાય, ભકિત, સમૂહ પ્રતિક્રમણ સહિતના, આયોજનો કરવામાં આવ્યા છે. દિગંબર સમાજના પર્યુષણ મહાપર્વની તા. ૧૯ના રોજ પૂર્ણાહિત થશે. 

(10:20 am IST)