રાજકોટ
News of Wednesday, 10th August 2022

ગોંડલના જામવાડીના ગોડાઉનમાંથી ૯.૯૦ લાખનો દારૃનો જથ્થો પકડાયો

દારૃના જથ્થાનું કટીંગ થતુ'તું ત્યારે જ તાલુકા પીએસઆઇ ડી.પી.ઝાલાની ટીમ ત્રાટકીઃ બે ઇનોવા કાર સહીત ર૭.૯૬ લાખનો મુદામાલ સાથે ૪ મજુરોને ઝડપી લેવાયાઃ દારૃનો જથ્થો મંગાવનાર રાજકોટના બુટલેગર સન્નીની શોધખોળ

રાજકોટ, તા., ૧૦: ગોંડલના જામવાડી  જીઆઇડીસીના ગોડાઉનમાંથી દારૃના જથ્થાનું કટીંગ થતુ હતું ત્યારે તાલુકા પોલીસની ટીમે ત્રાટકી ૯.૯૦ લાખની દારૃનો જથ્થો અને બે કાર સહીત ર૭.૯૬ લાખના મુદામાલ સાથે ચાર શખ્સોને ઝડપી ેલેવાયા હતા. જયારે મુખ્ય સુત્રધાર રાજકોટના બુટલેગર  સન્નીની શોધખોળ હાથ ધરાઇ છે.

તસ્વીરમાં પકડાયેલ ચારેય મજુરો અને ગોંડલ તાલુકાના પીએસઆઇ ડી.પી.ઝાલા તથા સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

જીલ્લામાં દારૃ-જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા રેન્જ આઇજીપી સંદીપસિંહ તથા જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચના અન્વયે તાલુકાના પીએસઆઇ ડી.પી.ઝાલા, તથા સ્ટાફ પેટ્રોલીંગ હતો ત્યારે મળેલ બાતમી આધારે જામવાળી જી.આઇ.ડી.સી.ના ગોડાઉનમાં દરોડો પાડતા ત્યાં બે ઇનોવા કાર નં. જીજે ૦૩ -બી.એ. ૮૮૯૩ તથા જીજે૦૧ આરએન. ૮૧૮૭ માં દારૃનો જથ્થો ભરતા મજુર ધર્મરામ કેસારામ શર્મા (રહે. લોલી, જી. બામેર, રાજસ્થાન), અબરાજખાન જલીલખાન,  (રહે. ગાગીવાડા મધ્યપ્રદેશ),  જગવીરસિંહ રમેશસિંહ જાટ (રહે. ગાગીવાડા મધ્યપ્રદેશ) તથા ટીન્કુ દયારામસિંહ યાદવ (રહે. ગહેતાલીનિર્મલ, ઉતરપ્રદેશ)ને ઝડપી લીધા હતા. પોલીસે ગોડાઉન અને કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૃનો બોટલો નંગ રપ૪૪ કિંમત ૯.૯૦ લાખનો જથ્થો ઝડપી લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આ દારૃનો જથ્થો રાજકોટના બુટલેગર સન્નીએ મંગાવી ગોંડલના જામવાડી જીઆઇડીસીના ગોડાઉનમાં ઉતાર્યો હતો અને માળીયા મિયાણા તથા અમદાવાદથી આવેલ ઇનોવા કારમાં દારૃનો જથ્થો ભરાતો હતો ત્યારે જ પોલીસ ત્રાટકતા નાસભાગ મચી ગઇ હતી. મુખ્ય સુત્રધાર સન્ની તથા ઇનોવા કારના બન્ને ડ્રાઇવર પોલીસને જોઇ નાસી છુટયા હતા. પકડાયેલ ચારેય   પરપ્રાંતીય મજુરો દારૃની હેરાફેરી માટે આવ્યા હતા.

તાલુકા પોલીસે દારૃનો જથ્થો અને બે કાર તથા બે મોબાઇલ મળી ર૭.૯૬ લાખનો મુદામાલ કબ્જે કરી પકડાયેલ ચારેય મજુરો સામે ગુન્હો દાખલ કર્યો હતો. તેમજ નાસી છુટેલ મુખ્ય સુત્રધાર સન્ની સહીતના શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.

(3:56 pm IST)