રાજકોટ
News of Wednesday, 10th August 2022

કારોબારી અધ્‍યક્ષના રાજીનામાનો મામલો પૂરો ? સહદેવસિંહ યથાવત રહેવાના એંધાણ

પક્ષની પ્રતિષ્‍ઠા બચાવવા પ્રયાસ : વિવાદના મૂળમાં સ્‍થાનિક રાજકારણ : જિલ્લા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ કહે છે મે રાજીનામાની ઇચ્‍છા વ્‍યકત કરેલી, રાજીનામુ આપ્‍યું નથી

રાજકોટ તા. ૧૦ : જિલ્લા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ પદેથી સહદેવસિંહ જાડેજાએ આપેલ કથિત રાજીનામાના પ્રકરણમાં મામલો પૂરો કરાવવા પ્રયાસ થઇ રહ્યો છે. ધારાસભાની ચૂંટણી ટાણે રાજીનામાથી ભાજપને નુકસાન થાય અને વિપક્ષને મુદ્દો મળે તેવી પરિસ્‍થિતિ નિવારવા હાલ સહદેવસિંહને જ યથાવત રહેવાનું પાર્ટીમાંથી કહેવાય ગયાનું જાણવા મળે છે જે મુદ્દે વાંધો હતો તે મુદ્દે સમાધાનનો સૂર વ્‍યકત થયો છે.

કારોબારી અધ્‍યક્ષ સીધુ ડી.ડી.ઓ.ને રાજીનામુ આપે તો સ્‍વીકારાઇ જવા પાત્ર બને પણ તેમણે રાજીનામુ પાર્ટીના જિલ્લા પ્રમુખને મોકલ્‍યાની વાતો વહેતી થયેલ. રાજીનામાના કારણમાં એકથી વધુ બાબતો ચર્ચામાં છે. પંચાયત પ્રમુખ ભૂપત બોદરની કાર્ય પધ્‍ધતિ સામેની કથિત નારાજગી, અમુક અધિકારીઓ સાથેનો વ્‍યવહાર વગેરે કારણો ઉપરાંત ધારાસભાની ચૂંટણી સંદર્ભે ગોંડલ પંથકના રાજકારણનો કોઇ મુદ્દો નિર્ણાયક બની ગયાનું કહેવાય છે. સ્‍થાનિક આગેવાનની સૂચના મુજબ કારોબારી અધ્‍યક્ષ પદ છોડવા આગળ વધ્‍યાનું અને પછી પાર્ટીની લાઇન મુજબ પીછેહઠ કર્યાનું ભાજપના વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

દરમિયાન આજે સવારે સહદેવસિંહ જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, મારા કામોની વ્‍યસ્‍તતાના કારણે મેં રાજીનામું આપવાની ઇચ્‍છા વ્‍યકત કરેલ. મેં રાજીનામુ આપ્‍યું નથી. પંચાયતમાં અમારૂ સંકલન વ્‍યવસ્‍થિત ચાલે છે. પાર્ટી યથાવત રહેવાનું કહેશે તો યથાવત રહીશ. પાર્ટીના નિર્ણય મુજબ વર્તીશ.

(12:00 pm IST)