રાજકોટ
News of Tuesday, 10th August 2021

મવડી રોડ ઓવરબ્રીજ નીચેથી ધવલ વાઘેલા દેશી પિસ્ટલ સાથે પકડાયો

માલવીયાનગર પોલીસે દબોચ્યોઃ શોખ અને સીન જમાવવા હથિયાર રાખ્યુ હોવાનું રટણ

રાજકોટ, તા. ૧૦ :. મવડી મેઈન રોડ પર સ્વામી વિવેકાનંદ ઓવરબ્રીજ નીચેથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે એક શખ્સને દેશી પિસ્ટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ મવડી મેઈન રોડ પર સ્વામી વિવેકાનંદ ઓવરબ્રીજ નીચે એક શખ્સ ગેરકાયદેસર હથીયાર સાથે ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઈ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા ઓવરબ્રીજ નીચે ઉભેલા ધવલ દીલીપભાઈ વાઘેલા (ઉ.વ. ૨૯) (રહે. શ્રીરામ ટાઉનશીપ બારમા માળે, મવડી પોલીસ હેડ કવાર્ટરની સામે નાનામવા રોડ)ને પકડી લઈ તલાસી લેતા તેના નેફામાંથી રૂ. ૧૦ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્ટલ મળી આવતા તેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આ હથિયાર શોખ ખાતર અને સીન જમાવવા માટે છેલ્લા ૧૫ દિવસથી રાખ્યુ હોવાનું જણાવ્યુ છે. ધવલ અગાઉ માલવીયા નગર પોલીસ મથકમાં દારૂ અને જુગારના કેસમાં પકડાઈ ચૂકયો છે. આ હથિયાર કયાંથી લાવ્યો અને કોણે આપ્યુ ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી પીઆઈ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઈ, દિગ્પાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશભાઈ, હરપાલસિંહ, રોહીતભાઈ, કુલદીપસિંહ, હિતેષભાઈ દ્વારા કરવામાં આવી હતી.

(3:38 pm IST)