રાજકોટ
News of Tuesday, 10th August 2021

ગાયત્રી મંદિરનો પ્રશ્ન ન ઉકેલાય તો આત્મવિલોપનઃ ધર્મેશ જાની

મોટાભાઇ તથા ટ્રસ્ટીઓ દ્વારા માનસિક ત્રાસ, અશોભનીય શબ્દ પ્રયોગઃ આવન-જાવન માટે અલગ સીડી બનાવી દેવાનું વચન પણ નથી નીભાવ્યું: સાત દિવસમાં ઉકેલ ન આવે તો પરિવાર સાથે આત્મવિલોપન....પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૧૦ : કાલાવડ રોડ પર આવેલા વેદમાતા ગાયત્રી ધામ મંદિરના આંતરિક વિવાદનો નીવેડો ન આવે તો આત્મવિલોપનની ચીમકી અપાઇ છે. મંદિરના ધર્મેશભાઇ નટવરલાલ જાની તથા શ્રીમતી ધર્મિષ્ઠાબેને પોલીસ કમિશનરને અપાયેલા આવેદનમાં આપવીતી જણાવીને કહ્યું છે કે, સાત દિવસમાં પ્રશ્નનો કાયમી ઉકેલ નહિ આવે તો અમને સપરિવાર આત્મવિલોપન કરવા ફરજ પડશે.

આવેદનન પત્રમાં લખ્યું છે કે, હું ધર્મેશભાઇ નટવરલાલ જાની ઉ.વ.૪પ, તથા મારા પત્નિ ધર્મિષ્ઠાબેન ધર્મેશભાઇ જાની અને અમારા બન્ને બાળકો સાથે મારા પિતાશ્રીએ મરણમૂડીમાંથી બનાવેલ શ્રી વેદમાતા ગાયત્રીધામ મંદિરમાં રહીએ છીએ. છેલ્લા પાંચ વર્ષથી અમારા મોટાભાઇ, ફૈબા, બેન, બનેવી તથા સમગ્ર ટ્રસ્ટીઓ વિના કારણ દરેક રીત કોઇને કોઇ રીતે માનસિક ત્રાસ તથા મારા પત્નિને અશોભનીય શબ્દોથી હેરાન પરેશાન કરી રહ્યા છે. તથા મારા ધંધા રોજગારમાં પણ આર્થિક રીતે ભયંકર નુકસાની ભોગવી રહ્યો છું. હાલમાં છેલ્લા છ મહિનાથી કોરોના મહામારીને કારણે મારો કર્મકાંડના ધંધામાં પણ બહુ તકલીફ છે. આ હેરાનગતિ, માનસિક ત્રાસને લીધે અમારે જીવવું મુશ્કેલ થઇ રહ્યું છે.

આ અગાઉ બે વર્ષ પહેલા અમારા બ્રહ્મસમાજનાં ટ્રસ્ટી જીતુભાઇ મહેતાને  સમગ્ર પરિસ્થિતિથિ વાકેફ કરી તેમને જાણ કરી હતી અને તેમની રામનાથ પરા સ્થિત ઓફીસે અમારા ભાઇ, મમ્મી, ફૈબા, બેન, બનેવી તથા અમારા વેદમાતા ગાયત્રી ધામના ટ્રસ્ટી મિલનભાઇ શુકલ, સમીર પંડયા, સન્ની જાની ટ્રસ્ટી દરેકની હાજરીમાં જીતુભાઇ મહેતા દ્વારા સમાધાન કરાવેલ અને મને ટ્રસ્ટી મંડળમાં પદ ઉપર લેવામાં આવે અન અમારો રસ્તો ગેટ, સીડી દ્વારા અલગ બનાવી દેવામાં આવશે એવી પૂર્ણ બાંહેધરી આપવામાં આવેલ હતી. જે આજ દિવસ સુધી કોઇ વસ્તુ થઇ નથી અને છ આઠ મહિને કોઇને કોઇ રીતે હેરાન જ કરવામાં આવે છે. ચાલવાના રસ્તે રોજ સાપ નિકળતા હોય તો ત્યાં રોજ લાઇટ બંધ કરી દેવી અને મેઇન ગેટે તાળુ મારી દેવું અને મારા કર્મકાંડના ધંધાનું લગાડેલ બોર્ડ કાઢી નાખવું, તથા મારા કોઇ સગા-સંબંધી આવે તો તેને એમ કહે એ લોકો અહી  નથી રહેતા અમે નથી ઓળખતા અને કોઇ ટપાલ, પાર્સલ, કંકોત્રી આવે તો તેને પોસ્ટમેન, કુરીયર વાળાને પાછા મોકલી દેવા મંદિરમાં આવતા દરેક સેવક, ભકતોને અમારી સાથે બોલવાની ના પાડી દેવી આવા અનેક પ્રશ્નો છે નાના મોટા ભુતકાળમાં પણ અવાર નવાર મે પોલીસ સ્ટેશન, કમિશ્નરને ઘણી અરજીઓ કરેલ છે પોલીસ કેસ વગેરે પણ ત્યારબાદ પરિસ્થિતિ થોડો સમય શાંત થઇ જાય છે પણ પાછી હેરાનગતી કરેછે જેના રેકર્ડ, આધાર પુરાવા સાબિતી આજે પણ છે ને દરેક વખતે પોલીસ તંત્રનો બહુ જ સારો સહયોગ ન્યાય મળેલો છે હવે અત્યારે એવી પરિસ્થિતિ છે કે જો મને ન્યાય ન મળે તો અમારે હવે ેમરવા, આત્મવિલોપન સિવાય કોઇ રસ્તો  નથી.  જેથી  એકજ અપેક્ષા માંગણી છે કે મને અને મારા પરિવારને કોઇ પણ રીતે કોઇ હેરાન ના કરે અને મને અલગ રસ્તો, સીડી દ્વારા બનાવી આપવામાં આવે અને જેમ મારા ભાઇ પરિવાર મંદિરની આવક ટ્રસ્ટમાંથી જે તમામ હક્ક ભોગવે છે. તેમ મને પણ દરેક હક્ક જેમાં કે મહીનાનું દુધ, કરીયાણું અને ટ્રસ્ટીમાં લેવામાં આવે અને આજીવન કોઇ હેરાનગતિ કે પરેશાન ન કરે એવું હવે લેખીતમાં મને આપવામાં આવે. તો  મારી નમ્ર વિનંતી છે કે અમારા બ્રહ્મસમાજના ટ્રસ્ટી એવા જીતુભાઇ મહેતાની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રશ્નોનું સમાધાન લેખીતમાં થાય અને મન ેઆજીવન ન્યાય મળે કોઇ હવે પછી માનસિક ત્રાસ, હેરાનગતિ ન કરે ને મારી માંગણી પુરી કરવામાં આવે. તેમ આવેદનના અંતમાં જણાવ્યું છે  આવેદનની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સુધી પહોંચાડાઇ છે.

(3:34 pm IST)