રાજકોટ
News of Tuesday, 10th August 2021

વીજ કંપનીઓના ખાનગી કરણ સામે કર્મચારીઓ-અધિકારીઓમાં પ્રચંડ રોષઃ દેશભરમાં જીલ્લા સર્કલ કચેરી સામે ઉગ્ર દેખાવો

રાજકોટમાં કોર્પોરેટ કચેરી સામે સૂત્રોચ્ચારઃ ઉર્જા મંત્રીના નિવેદનને કારણે હડતાલ મુલત્વી

રાજકોટ તા. ૧૦: કેન્દ્ર સરકાર દેશભરની વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવા જઇ રહી છે, આ અંગે સંસદમાં બીલ પણ મુકાય તેવી શકયતા છે, આ ખાનગીકરણ સામે આજે રાજકોટ ગુજરાત સહિત દેશભરના ૧પ લાખ વીજ કર્મચારીઓ અધીકારીઓ પ્રચંડ રોષ વ્યકત કરી જીલ્લા સર્કલ કચેરી સામે બપોરે ઉગ્ર દેખાવો યોજયા હતા અને પ્રચંડ રોષ સાથે વિરોધ વ્યકત કર્યો હતો.

રાજકોટમાં કોર્પોરેટ કચેરી સામે ઉગ્ર દેખાવો-સૂત્રોચ્ચાર કરાયા હતા. આ ઉપરાંત ગુજરાતની તમામ સર્કલ-જીલ્લા કચેરી સામે સૂત્રોચ્ચાર-બેનરો સાથે ખાનગીકરણ સામે વિરોધ વ્યકત કરાયો હતો.

ઇલેકટ્રીકસીટી એકટ ર૦ર૧ના વિરોધમાં પીજીવીસીએલ ઉપરાંત ગુજરાતની ચારેય વીજ કંપનીઓની સર્કલ કચેરી ખાતે દેખાવો કરાયા હતા, રાજકોટ ઉપરાંત જામનગર-પોરબંદર-જુનાગઢ-અમરેલી-મોરબી-દ્વારકા ખાતે દેખાવો કરી વિરોધ વ્યકત કરાયો હતો.

દરમિયાન યુનિયન આગેવાન શ્રી બી. એમ. શાહે ''અકિલા''ને જણાવેલ કે ગઇકાલે ઉર્જામંત્રી શ્રી સિંધે હજુ બીલ નથી મુકાયું તેવું નિવેદન આપ્યા બાદ આજની દેશભરમાં હડતાલ મુલત્વી રખાઇ હતી. અને બપોરે દેખાવોનો કાર્યક્રમ યોજાયો હતો.

(1:32 pm IST)