રાજકોટ
News of Friday, 10th June 2022

મોરબી રોડની સુચિત અર્જુન પાર્ક સોસાયટીના પ્‍લોટધારકો સાથે છેતરપીંડી થયાની ફરિયાદ

ટીપી સ્‍કીમ નીકળતી હોવાનું જાણવા છતાં સોસાયટીના પ્રયોજકોએ વિરોધ ન કરી પૈસા પણ પાછા ન દીધા અને બીજી જગ્‍યાએ જમીન પણ ન આપ્‍યાનો આરોપઃ અરજી આધારે બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૦: મોરબી રોડ પર આવેલી સુચીત સોસાયટી અર્જુન પાર્ક હાઉસીંગ સોસાયટી લિમીટેડમાં પ્‍લોટો આપી આ જગ્‍ગયા મહાનગર પાલિકાની ટીપી સ્‍કીમમાં જવાની છે તેવું જાણવા છતાં વિરોધ ન કરી પ્‍લોટ ધારકોને પ્‍લોટના પૈસા કે બીજા સ્‍થળે જમીન ન આપી ઠગાઇ કરવામાં આવ્‍યાની ફરિયાદ બી-ડિવીઝન પોલીસમાં નોંધાતા તપાસ શરૂ થઇ છે.

આ બનાવમાં પોલીસે રણછોડનગર-૧૨ આશ્રમ રોડ કુવાડવા રોડ ખાતે રહેતાં દિપાબેન પંકજભાઇ પીઠડીયા (ઉ.૪૧)ની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે અરજણ પરષોત્તમભાઇ બાસીડા તથા યુનુસ જૂણેજા વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્‍યો છે. દીપાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું ઘરકામ કરુ છું અને પરિવાર સાથે રહુ છું. મારા પતિ પંકજભાઇ છુટક સુથારી કામ કરે છે. તે બે ભાઇઓ છે. મારા સસરા નિવૃત જીવન જીવે છે.  મેં અગાઉ બી-ડિવીઝનમાં એક અરજી આપી હતી. તેના આધારે મને ફરિયાદ નોંધાવવા બોલાવાતાં ફરિયાદ કરી છે.

મોરબી રોડ જકાતનાકાથી આગળ રોડ ટચ ઘનશ્‍યામ હાર્ડવેર છે ત્‍યાં સેર્વ નં. ૨ પૈકી ૧ તથા ૨ અને ૩ની ખેતીની જમીન અરજણભાઇ બાસીડાની હોઇ અમારા પરિવારના સભ્‍યોને ગમી હોઇ જેથી પ્‍લોટ નં. ૧૯ ની ૧૮૩.૩ ચો.વા. જમીન અમે ખરીદવાનું નક્કી કરી અરજણભાઇ બાસીડા પાસેથી ખરીદી હતી. તેમને અમે અવેજ ચુકવી આપેલ હતી. એ પછી અમને શેર ભંડોળના ચુકવેલ રૂપિયાની પહોંચ અને પ્રમાણપત્ર અપાયા હતાં. જેમાં અર્જુનપાર્ક હાઉસીંગ સોસાયટી લી. (સુચિત)ના લેટરપેડ પર લખાણ હતું અને સોસાયટીના પ્રયોજક મંત્રી તરીકે યુનુસ ઓ. જુણેજાના નામની ગુજરાતીમાં સહીઓ કરેલી હતી. આ પ્‍લોટના તમામ અસલ સુચીત કાગળો પણ અમારી પાસે છે. બીજા આઠ લોકોની પણ અલગ અલગ ચોરસવાર જમીન છે.

આ બધાએ અરજણભાઇ બાસીડા પાસેથી જમીન ખરીદ હતી. અમને પ્‍લોટનો કબ્‍જો પણ અપાયો હતો. એ પછી અરજણભાઇ અને યુનુસ જુણેજાએ સુચીતના પ્‍લોટ પૈકી ૧ થી ૪૦ નંબરના ૪૦ પ્‍લોટ મુકીને બાકીના ૪૧ થી ૧૦૭ના કુલ ૬૭ પ્‍લોટની જમીન પ્‍લોટ ધારકો પાસેથી પરત ખરીદી હતી. બાદમાં આ પરત લીધેલી તમામ જમીનના પ્‍લોટ નં. ૧૪ થી ૧૦૭ની તેઓએ કલેક્‍ટર કચેરી ખાતે બીનખેતીની અરજી કરી અર્જુન પાર્ક નામથી બીનખેતી કરાવી હતી. અર્જુન પાર્કની આગળ પ્‍લોટ નં. ૧ થી ૪૦ના રહેણાંક પ્‍લોટ આવેલા છે. જે પૈકી પ્‍લોટ નં. ૫ની જમીન ઉપર ઘનશ્‍યામ હાર્ડવેર અને બાજુમાં આશુતોષ ટ્રાન્‍સપોર્ટની ઓફિસ છે. એ પછી અરજણભાઇ બાસીડા અને યુનુસ જૂણેજાએ અમને તથા અન્‍ય પ્‍લોટ ધારકોને શેર સર્ટી તથા પ્રમાણપત્રો આપેલા હોઇ તેના અવેજમાં અમે પૈસા આપી દીધા હોઇ આ બંને એવું જણાતા હતાં કે સુચીતના પ્‍લોટ મહાનગર પાલિકાની ટીપી સ્‍કીમમાં જવાના છે તેમ છતાં કોઇ વિરોધ ન કરી અમારા પ્‍લોટના પૈસા અને અન્‍ય જગ્‍યાએ જમીન ન આપી છેતરપીંડી કરી હોવાનું જણાતાં ફરિયાદ કરી છે.

પીઆઇ એમ. સી. વાળા, મહેશભાઇ રૂદાતલા સહિતે ઉચ્‍ચ અધિકારીઓની રાહબરીમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

(4:53 pm IST)