રાજકોટ
News of Friday, 10th June 2022

હિરાસર એરપોર્ટઃ ગામની ર૦ મીલકતના કોઇ ટાઇટલ જ નથી પરિણામે મામૂલી વળતરની શકયતાઃ જબરા વિવાદના એંધાણ

જે જમીનના ટાઇટલ નથી તેને શેમાં ગણવી...સૂચિત કે કાયદેસર...આ લોકો જમીન ખાલી કઇ રીતે કરશે... :કલેકટરની સૂચના બાદ રપ મીલકત ધારકોને હવે નંબર અપાયાઃ પરંતુ ટાઇટલ નથી તેને નથી અપાયા...

રાજકોટ તા. ૧૦: હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બાંધવા સંદર્ભે હિરાસર ગામની ર૧૦૦ ચો.મી. જમીન સંપાદન કરવા અંગે સરકારે જાહેરનામું બહાર પાડયું છે...પરંતુ આ જમીન સંપાદન-વળતર પ્રશ્ને મોટા જબરા વિવાદ થવાના એંધાણ પ્રવર્તતી રહ્યાનું કલેકટર કચેરીના અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

અધીકારી સૂત્રોના કહેવા મુજબ-હિરાસર ગામની જે મીલકતની જમીન લઇ લેવાની છે તેમાં મીલકત નં.૧ થી ૪, ૭ થી ૧૦, ૧૪ થી રર અને ૪ર થી ૪૪ ટુંકમાં આ ર૦ મીલકતના કોઇ ટાઇટલ જ ન હોવાનો ધડાકો થયો છે, પરિણામે આ લોકોને વળતર મળે તેમ જ નથી, આ લોકોએ જે બાંધકામ કર્યું છે એનું મામૂલી વળતર મળે તેવી શકયતા હોય વળતર-જમીન સંપાદન મામલે મોટા વિવાદ ઉભા થવાની શકયતા સૂત્રો દાખવી રહ્યા છે.

બીજી બાજુ પૂનઃવસન માટે કલેકટર તંત્રના આદેશ બાદ ગ્રામ પંચાયત દ્વારા તમામ મીલકત ઉપર નંબર આપવાનું શરૃ કરાયું છે, પરંતુ જેમના ટાઇટલ નથી તેમને મીલકત નંબર નથી અપાયા, પરિણામે આ જમીન સૂચિત ગણવી કે કાયદેસર તે પ્રશ્ન પણ થઇ પડયો છે, તો આ ર૦ મીલકત ધારકો પોતાની જમીન-મીલકત ખાલી કરે કે કેમ તે પણ પ્રશ્ન ઉભો થયો છે.

(4:49 pm IST)