પત્નિ અને માતા વચ્ચે ઝઘડો થતાં સ્લમ ક્વાર્ટરનો આનંદ દવા પી ગયો
રૈયાધારમાં દિપકભાઇ પરમારને ત્રણ મિત્રોના હાથે અને રોહીદાસપરામાં દિપકભાઇને જુના મનદુઃખમાં માર પડયો
રાજકોટ તા. ૧૦: જામનગર રોડ સ્લમ ક્વાર્ટરમાં રહેતો આનંદ રસિકભાઇ પરમાર (ઉ.૨૪) રાત્રે દવા પી જતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.
આનંદને સંતાનમાં એક પુત્ર છે. પોતે હાલમાં કંઇ કામ કરતો નથી. તેના માતા લીલાબેને કહ્યું હતું કે ઘરના કામ બાબતે પોતાને પુત્રવધૂ પ્રીતી સાથે બોલાચાલી થતાં તેણીએ હાથ ઉગામી લીધો હતો. આ કારણે આનંદને માઠુ લાગતાં દવા પી ગયો હતો.અન્ય બનાવોમાં ગાંધીગ્રામ ધરમનગર ક્વાર્ટરમાં રહેતાં દિપકભાઇ રામજીભાઇ પરમાર (ઉ.૪૭)ને રાતે રૈયાધારમાં વસંતબેનના ઘર પાસે તેના જ મિત્રો જયુ, કાદરી, વિજય સહિતે મજાકમાં માથાકુટ થયા બાદ માર મારતાં સિવિલમાં ખસેડાયો હતો. બીજા બનાવમાં રોહીદાસપરામાં રહેતાં દિપકભાઇ કરસનભાઇ ચુડાસમા (ઉ.૫૧)ને જુના મનદુઃખને લીધે અરબાઝ, ઘોબો અને અજાણ્યા શખ્સે છરી ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. અગાઉ દિપકભાઇના પુત્ર સાથે સામેવાળાને માથાકુટ થઇ હોઇ તેના મનદુઃખમાં આ હુમલો કરાયો હતો.