રાજકોટ
News of Friday, 10th June 2022

મેઘાણીનગરમાં રૂ પીંજવાના મશીનમાં દૂપટ્ટો ફસાતાં ગળાફાંસાથી રેશ્મા પરમારનું મોત

પતિને કામમાં મદદ કરવા ગઇ ત્યારે બનાવઃ દુધસાગર રોડ વિસ્તારની પીંજારા પરિણીતાના મોતથી બે બાળકો મા વિહોણા થતાં અરેરાટી

રાજકોટ તા. ૧૦: કોઠારીયા રોડ મેઘાણીનગરમાં રૃ પીંજવાના મશીનમાં દૂપટ્ટો ફસાતાં ગળાફાંસો આવી જતાં દૂધ સાગર રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતી રેશ્માબેન કાદરભાઇ પરમાર (ઉ.૨૮) નામની પીંજારા પરિણીતાનુંં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતી રેશ્માબેન ગઇકાલે પતિ કાદર પરમાર સાથે કોઠારીયા રોડ કેદારનાથ સોસાયટી નજીક મેઘાણીનગરમાં રૃ પીંજવાનો ઓર્ડર આવ્યો હોઇ પતિને મદદ કરાવવા સાથે ગઇ હતી. રિક્ષામાં ફીટ કરાયેલા મશીનથી રૃ પીંજવાનું કામ ચાલુ હતું ત્યારે રેશ્માબેનને ગળામાં રાખેલો દૂપટ્ટો ઉડીને મશીનમાં ફસાઇ જતાં ખેંચાઇ જવાને કારણે તેણીને ફાંસો લાગી જતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર રેશ્માબેનને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક ત્રણ વર્ષનો અને બીજો પાંચ વર્ષનો છે. માતા-પિતા પણ તેની સાથે જ બાજુના રૃમમાં રહે છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:10 am IST)