રાજકોટ
News of Friday, 9th February 2018

વ્યાજખોરોએ નાયબ મામલતદારના પતિનું અપહરણ કર્યુઃ ગોંધી રાખી મારકુટ : 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

પોલીસ કમિશ્નરની આકરી ઝૂંબેશ વચ્ચે પણ વ્યાજખોરો બેફામઃ અજય ખીમાણીયા, યદુવીર ફાયનાન્સવાળા રાજુ લાવડીયા અને નિર્મળ મેતાએ ૭૫ લાખના વ્યાજ સામે જમીન-મકાનના ધંધાર્થી વણિક યુવાનની ઓફિસ, બે કાર પડાવી લીધા, ૨૧ લાખ બીજા વસુલ્યા છતાં વધુ રકમની માંગણી કરીઃ જામનગર રોડ શેઠનગરમાં રહેતાં ટંકારાના નાયબ મામલતદાર હીનાબેન મોદીએ વ્યાજખોર રાજુની ઓફિસે જઇ કોરા ચેક આપ્યા પછી જ તેના પતિ મયંક મોદી મુકત થયાઃ મોદી એસ્ટેટના નામે વ્યવસાયઃ યુનિવર્સિટી પોલીસે ત્રણેયની ધરપકડ કરીઃ પહેલા ૩ ટકા વ્યાજે કટકે-કટકે ૭૫ લાખ દીધા પછી ૬ ટકા વ્યાજ ગણી ૧ કરોડ ૪૫ લાખની ઉઘરાણી શરૂ કરી'તી

રાજકોટ તા. ૯: વ્યાજખોરીના વધુ એક કિસ્સામાં જામનગર રોડ શેઠનગર બ્લોક નં. ૪૯૦માં રહેતાં જમીન-મકાન લે-વેંચના ધંધાર્થી અને ટંકારાના મહિલા નાયબ મામલતદારના પતિ મયંકભાઇ કાંતિભાઇ મોદી (ઉ.૩૯) નામના મોઢ વણિક યુવાનનું વ્યાજની ઉઘરાણી માટે તેના જ ભાગીદાર અને ભાગીદારના મિત્ર સહિત ત્રણ જણાએ કાલાવડ રોડ પરની તેની ઓફિસેથી અપહરણ કરી યુનિવર્સિટી રોડ પરની યદુવીર ફાયનાન્સ ઓફિસમાં પુરી ધોકાવી પતાવી દેવાની ધમકી દઇ કોરા સ્ટેમ્પ પેપરો પર સહીઓ કરાવી લીધાની અને ઘરેથી આ યુવાનના પત્નિ મારફત કોરા ચેકો મંગાવ્યા બાદ મુકત કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. આ યુવાન પાસેથી વ્યાજખોરોએ અગાઉ ધમકી દઇ ઓફિસનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લઇ તેમજ બે કાર પડાવી લીધી હોવા છતાં હજુ  ૧ કરોડ ૪૫ લાખની રકમ વ્યાજ-પેનલ્ટી સહિત માંગી ત્રાસ ગુજાર્યો હોવાની વિગતો સામે આવતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી લીધી છે.

મયંક મોદીની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ પર એચ. પી. પેટ્રોલ પંપ પાસે યદુવીર ફાયનાન્સ નામે ઓફિસ ધરાવતાં રાજુ મેણંદભાઇ લાવડીયા, અજય રામભાઇ ખીમાણીયા અને નિર્મળ પ્રભાતભાઇ મેતા સામે આઇપીસી ૩૮૬, ૩૮૭, ૩૬૫, ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા મનીલેન્ડ એકટનો ગુનો નોંધ્યો છે.

મયંક મોદીના કહેવા મુજબ હું કાલાવડ રોડ શ્રીજી હોટેલ પાસે મોદી એસ્ટેટ નામે જમીન-મકાન લે-વેંચની ઓફિસ રાખી કામ કરુ છું. મારા પત્નિ હીનાબેન ટંકારા નાયબ મામલતદાર તરીકે નોકરી કરે છે.  મારે ધંધાના કામે રૂપિયાની જરૂર ઉભી થતાં મારા ભાગીદાર અજય રાજા ખીમણીયા અને તેના મિત્ર યદુવીર ફાયનાન્સવાળા રાજૂ લાવડીયા પાસેથી ૫/૭/૧૭ના રોજ રૂ. ૧૦ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતાં. મેં જેમ ધંધામાં જરૂર પડે તેમ રૂપિયા લીધા હતાં. છેલ્લે ૧૯/૯/૧૭ના રોજ બે લાખ લીધા હતાં. કુલ મળી રાજુ લાવડીયા પાસેથી ૭૫ લાખ વ્યાજે લીધા હતાં. જેની સામે રૂ. ૨૧,૦૯,૫૦૦ વ્યાજ સહિત ચુકવી દીધા છે.

એ પછી રાજુએ બાકીની રકમ ઉપર ૩ ટકાને બદલે ૬ ટકા વ્યાજ કરી નાંખી તેની ઉઘરાણી ચાલુ કરી હતી. તે મુજબ હિસાબ કરી તેણે કુલ રૂ. ૧ કરોડ ૪૫ લાખની ઉઘરાણી કરી હતી. મેં તેને આટલી મોટી રકમ મારી પાસે નહિ હોવાનું અને આવશે એટલે આપી દઇશ તેમ કહેતાં તે અવાર-નવાર મારી ઓફિસે આવી મનેડરાવતાં અને ગાળો દેતા હતાં. હું વ્યાજ ચુકવી શકુ તેમ ન હોઇ મારી કાલાવડ રોડની ઓફિસ કમ ફલેટનો સાટાખત બળજબરીથી કરાવી લઇ તેમજ મારી ક્રેટા કાર જીજે૩જેએલ-૧૮૫૧ અને બીજી બ્લેક ક્રેટા કાર પણ વ્યાજની ઉઘરાણી પેટે પડાવી લીધેલ. હું કાર પાછી માંગુ તો મારી નાંખવાની ધમકી આપતા હતાં.

દરમિયાન ગુરૂવારે સવારે અગિયારેક વાગ્યે હું મારી ઓફિસે હતો ત્યારે રાજૂ અને મારો ભાગીદાર અજય આવ્યા હતાં અને રૂપિયાની માંગણી કરી હતી. મેં તેને આપણે હિસાબ કરી લઇશું તેમ કહેતાં રાજુ તથા અજાણ્યા શખ્સે ગાળોઆપી મને ડરાવ્યો હતો અને કહેલ કે મારી ઓફિસે આવ નહિતર તારા પરિવારને મારી નાંખશું. તેવી ધમકી આપી મારી સાન્ટ્રો કાર ૧૭૫૧ની ચાવી રાજુએ લઇ લીધી હતી. હું ડરી જતાં મારું એકસેસ લઇ તેની પાછળ-પાછળ યુનિવર્સિટી રોડ પરની તેની ઓફિસે ગયો હતો. ત્યાં મને બેસાડી ૧ કરોડ ૪૫ લાખ તો આપવા જ પડશે તેમ કહી રાજુ અને તેના ભાગીદાર નિર્મળ મેતાએ મળી ધોલધપાટ કરી હતી અને રાજૂએ છરી લઇ પેટના ભાગે અડાડીને કહેલ કે આટલી જ વાર લાગશે.

ત્યારબાદ રાજુ અને નિર્મળે પાંચ કોરા સ્ટેમ્પ પેપરોમાં મારી સહીઓ બળજબરીથી કરાવી લીધી હતી. તેમજ મારી પાસેથી મારા પત્નિનો ફોન નંબર માંગી રાજૂએ તેને ફોન કરી તમારો પતિ અમારી પાસે છે, પૈસા લઇને આવો તેમ કરી ફોન કટ કરી નાંખ્યો હતો. એ પછી મારી પાસેથી કોરા ચેક માંગ્યા હતાં. પણ ચેક ઓફિસે હોવાનું કહેતાં તેણે મંગાવવાનું કહેલ અને મેં ફોન કરતાં મારા પત્નિ ચેક લઇને આવ્યા હતાં અને મને છોડાવ્યો હતો.

યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એમ.ડી. ચંદ્રાવાડીયા, પી.એસ.આઇ. બી. જે. કડછા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, ગિરીરાજસિંહ જાડેજા, અમીનભાઇ, લક્ષમણભાઇ, રવિરાજસિંહ જાડેજા, રાઇટરો યોગેન્દ્રસિંહ જાડેજા અને બળભદ્રસિંહે ત્રણ શખ્સો રાજુ મેણંદભાઇ લાવડીયા (રહે. વિમલનગર-૧), અજય રામભાઇ ખીમાણીયા (રહે. વિરડા વાજડી) તથા નિર્મળ પ્રભાતભાઇ મેતા (રહે. કેદારનાથ મેઇન રોડ સાગર સોસાયટી)ની ધરપકડ કરી આકરી પુછતાછ કરી છે.

(8:54 pm IST)