રાજકોટ
News of Friday, 9th December 2022

એક્‍ટીવા સ્‍લીપ થતાં લોકોએ ચાલકને ઉભો કર્યો, તેના થેલામાંથી દારૂની બાટલી-ચપલા નીકળતાં થઇ લૂંટફાટ

લઇ ગ્‍યા ઇ લઇ ગ્‍યા, રહી ગ્‍યા ઇ રહી ગ્‍યા...લોકોએ ઘાયલ યુવાનને પડતો મુકી તેના થેલામાંથી બાટલીઓ કાઢી ચાલતી પકડી! : વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયોઃ ડો. યાજ્ઞિક રોડ પર કલર લેબ પાસે બનાવઃ લોકોની હરકત જોઇ ચાલક જતો રહ્યો, થોડીવાર પછી પાછો આવ્‍યો અને પોતાનું વાહન લઇ છનનન થઇ ગયો : જેટલા લોકો બાટલી લઇ ગયા એને પણ શોધવા સુચના

રાજકોટઃ શહેરના ડો. યાજ્ઞિક રોડ પર કલર લેબ નજીક આજે એક ચર્ચાસ્‍પદ અને રમૂજ પમાડે તેવી ઘટના બની હતી. એક એક્‍ટીવા ચાલક અચાનક સ્‍લીપ થઇ પડી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને ચાલકને ઉઠાવી સાઇડમાં બેસાડી તેની મદદ કરી હતી. પરંતુ આ વાહનચાલક પાસે જે થેલો હતો તે ખુલી જતાં અને તેમાંથી દારૂની બાટલી-ચપલા નીકળી પડતાં જોતજોતાંમાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું અને જે ભાઇ સ્‍લીપ થયા હતાં તેને પડતાં મુકી દઇ તેના થેલામાંથી બાટલી-ચપલાની લૂંટફાટ શરૂ કરી દીધી હતી.  વહેલા તે પહેલા...ના ધોરણે અમુકના હાથમાં બાટલીઓ-ચપલા આવી ગયા હતાં જ્‍યારે અમુકના હાથમાં કંઇ આવ્‍યું નહોતું. અમુકે તો બ્રાન્‍ડી છે કે આર.સી.? એવું જેના હાથમાં બાટલી આવી હતી તેને પુછી લીધુ હતું. લોકોની હરકત જોઇ એક્‍ટીવા ચાલક ત્‍યાંથી સરકી ગયો હતો અને થેલામાંથી ‘માલ' લૂંટાઇ ગયા બાદ હળવેકથી આવી પોતાનું વાહન લઇને સરકી ગયો હતો. થેલો જેમનો તેમ મુકીને તે જતો રહ્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં ભારે ચર્ચા જાગી હતી. તસ્‍વીરમાં થેલા અંદર દારૂનું ચપલુ અને લોકોએ કઇ રીતે પડાપડી કરી હતી તે જોઇ શકાય છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કર્યાનું જાણવા મળ્‍યું છે. ઉચ્‍ચ અધિકારીએ જેનો આ થેલો હતો તે શખ્‍સને શોધવાની સાથે સાથે જેટલા જેટલા બોટલ લઇ ગયા છે તેને પણ શોધી કાઢવા સુચના આપી હોવાનું જાણવા મળે છે. (ફોટોઃ અશોક બગથરીયા) 

(3:27 pm IST)