રાજકોટ
News of Wednesday, 9th September 2020

પેડક રોડ પર હોલી ડ્રોપ સ્પામાં કૂટણખાનુ ચાલતુ'તું: બી-ડિવીઝન પોલીસે કર્યો પર્દાફાશઃ સંચાલક સન્નીની ધરપકડ

બી-ડિવીઝન પીએસઆઇ એમ. એફ. ડામોર અને કોન્સ. પરેશભાઇ સોઢીયાની બાતમી પરથી પીઆઇ એમ. બી. ઓૈસુરા અને ટીમનો દરોડો : દિલ્હીની ૩ અને રાજકોટની ૧ યુવતિને ગ્રાહક દિઠ રૂ. ૮૦૦ આપી ૧૨૦૦ સંચાલક પોતે રાખી લેતો'તો : લોકડાઉનમાં બંધ સ્પા ખુલ્યાની સાથે જ કૂટણખાનુ ચાલુ કરી દીધું!

રાજકોટ તા. ૯: શહેરમાં ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સ્પાના ઓઠા તળે બીજી જ પ્રવૃતિઓ થતી હોવાની ફરિયાદોને પગલે અગાઉ શહેર પોલીસે ડ્રાઇવ યોજી અનેક સ્પામાં દરોડા પાડ્યા હતાં અને અહિ ગેરકાયદેસર રીતે રહેતી વિદેશી યુવતિઓને તેના દેશમાં મોકલી આપવાની કાર્યવાહી કરી હતી. તેમજ જરૂર જણાયે સ્પા સંચાલક વિરૂધ્ધ પણ ગુના નોંધ્યા હતાં. ત્યાં હવે સામા કાંઠે પેડક રોડ પર પાણીના ઘોડા સામે એક કોમ્પલેક્ષમાં સ્પાના ઓઠા તળે દેહવિક્રય કરી કૂટણખાનુ ચલાવવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતાં બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી સંચાલક ખત્રી શખ્સને દબોચી લઇ તેની સામે ઇમ્મોરલ ટ્રાફિકીંગ એકટ હેઠળ કાર્યવાહી કરી છે.

જાણવા મળ્યા મુજબ પેડક રોડ પર પાણીના ઘોડા સામે ગાયત્રી કોમ્પલેક્ષમાં બીજા માળે 'હોલી ડ્રોપ સ્પા'માં માલિશ સહિતની પ્રવૃતિને બદલે યુવતિઓ રાખી તેની પાસે દેહવિક્રય કરાવી કૂટણખાનુ ચલાવવામાં આવતું હોવાની બાતમી બી-ડિવીઝનના પીએસઆઇ એમ. એફ. ડામોર તથા કોન્સ. પરેશભાઇ સોઢીયાને મળતાં દરોડો પાડવામાં આવતાં બાતમી સાચી ઠરી હતી.

સ્પાનું સંચાલન સંભાળતો સન્ની છોટાલાલ ભોજાણી (ઉ.વ.૨૭-રહે. રણછોડનગર-૨૨) સ્પામાં યુવતિઓને રાખી તેની પાસે લોહીનો વેપલો કરાવતો હોવાનું ખુલતાં પીએસઆઇ ડામોરે ફરિયાદી બની ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૮૫૬ની કલમ ૩-૪ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,  જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એસ.આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડકોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા,  રશ્મીનભાઇ પટેલ, મહેશભાઇ રૂદાલતા, કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મિંયાત્રા, જયદિપસિંહ બોરાણા, કોન્સ. રશ્મિતાબેન પટેલ સહિતે આ દરોડો પાડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સન્ની ભોજાણી આમ તો દોઢ બે વર્ષની ભાડાની જગ્યામાં સ્પા ચલાવતો હતો. પરંતુ લોકડાઉનને કારણે સ્પા બંધ હતું. ખુલ્યા પછી તેણે કેટલાક સમયથી કૂટણખાનુ ચાલુ કરી દીધું હતું. જેમાં દિલ્હીની ત્રણ યુવતિ અને રાજકોટની એક યુવતિને રાખી હતી. ગ્રાહક દિઠ બબ્બે હજાર વસુલવામાં આવતાં હતાં અને આ ગણીકાઓને રૂ. ૮૦૦-૮૦૦ ચુકવી બાકીના ૧૨૦૦ સંચાલક સન્ની પોતે રાખી લેતો હતો. પોલીસે કૂટણખાનામાંથી મળેલી યુવતિઓને સાહેદ બનાવી હતી. કોરોના રિપોર્ટ આવ્યા બાદ સંચાલક સન્નીની ધરપકડ કરી વિશેષ પુછતાછ કરવામાં આવશે.

ડમી ગ્રાહક મોકલી પોલીસે દરોડો પાડ્યો

. સ્પાના ઓઠા તળે કૂટણખાનુ ચાલતું હોવાની બાતમીની ખરાઇ કરવા પોલીસે એક ડમી ગ્રાહકને મોકલ્યો હતો. આ ગ્રાહકે ત્યાં જઇને ભાવતાલ પુછતાં તેની પાસેથી શરીર સુખના રૂ. ૨૦૦૦ વસુલવામાં આવ્યા હતાં. સ્પામાં ચાર રૂમ હતાં. જે પૈકી એક રૂમમાં આ ડમી ગ્રાહકને યુવતિ પાસે મોકલાયો હતો. પોલીસને બાતમીની ખાત્રી થઇ જતાં જ દરોડો પાડ્યો હતો અને સફળતા મળી હતી.

(11:44 am IST)