રાજકોટ
News of Tuesday, 9th August 2022

શ્રધ્‍ધાભેર - અશ્રુભેર મનાવાતો આશૂરાહ : ચોતરફ હુસૈની માહોલ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર -કચ્‍છમાં સર્વત્ર તાજીયાના જુલૂસ : આજે રાત્રિના થનારી પૂર્ણાહુતિ : રઝાનગર - જંગલેશ્વર અને આસપાસના વિસ્‍તારના તાજીયા બાવીસમાં વર્ષે પણ માતમ'માં જ રહ્યા : ક્‍યાંય ફર્યા નહી : વરસાદી માહોલમાં પણ હિન્‍દુ મુસ્‍લિમો દર્શનાર્થે ઉમટી પડયા : સબિલો ઉપરથી ભરપૂર વિતરણથી ખાણીપીણીની લોકોને મોજ પડી ગઇ : કબ્રસ્‍તાનમાં મુસ્‍લિમ બિરાદરો દ્વારા શ્રાધ્‍ધ તર્પણ : સ્‍વજનોને યાદ કરાયાઃ વિશેષ નમાઝ સાથે રોઝા રખાયા

રાજકોટના આકર્ષક તાજીયા-વિશાળ જુલુસ ભારે મેદની

રાજકોટ શહેરમાં ગઇ સાંજે ૬ વાગ્‍યાબાદ તાજીયાઓ માતમમાં આવી ગયા બાદ પોતાના નિર્ધારિત રૂટ ઉપર જાહેર માર્ગો પર ગઇકાલે જુલૂસરૂપે ફર્યા હતા જેમાં આકર્ષક તાજીયાઓ તસ્‍વીરમાં જોવા મળે છે એ સાથે જુલૂસમાં ભારે મેદની જોડાઇ હતી. તસ્‍વીરમાં લક્ષ્મીનગર, રૈયા રોડ, સદર બજાર, રામનાથપરા વિસ્‍તારના તાજીયા અને તેમાં જોડાયેલ મેદની નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા.૯: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં ગઇરાતે આખી રાત તાજીયાઓ જુલસ રૂપે ફયા હતા અને આજે ૧૦મી મહોર્રમ ‘આશુરાહ' પર્વનો શોક મુસ્‍લીમોમાં છવાઇ ગયો છે.

જોક ે સર્વત્ર તાજીયાઓ ફરીને વ્‍હેલી સવારે પોતપોતાના સ્‍થળે માતમમા આવી ગયા હતા. જે આજે ફરી રાબેતા મુજબ બપોરે ફરી જે તે જગ્‍યાએથી ઉપડી પોતાના રૂટ ઉપર ફરશે અને રાત્રીના ૧૨ થી ૧ વાગ્‍યા સુધીમાં તમામ તાજીયાઓ વિસર્જીત થશે.

બીજી તરફ ગઇ રાત્રે લતે લતે યોજાયેલી હુસેની મહેફિલો અશ્રુભેર પુર્ણાહુતી પામી હતી ત્‍યારે તાજીયાની સમક્ષ અનેક હિન્‍દુ-મુસ્‍લીમ ભાઇ-બહેનો માનતાઓ પૂરી કરતા નજરે પડતા કોમી એકતાના દર્શન જોવા મળ્‍યા હતા.

પૈગમ્‍બર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈનએ તેના સાથીદારો સાથે ઇરાકના રેતાળ પ્રદેશમાં ધર્મની કાજે આપેલી આહૂતિની સ્‍મૃતિમાં કરબલાના ૭૨ શહિદોની યાદમાં મહોર્રમ માસ મનાવાઇ રહ્યો છે.

બીજી તરફ આજનો દિ'મહત્‍વનો હોય સવારે ૯ વાગ્‍યાથી મુસ્‍લીમ બિરાદરો મસ્‍જીદોમાં ઉમટી પડયા હતા. અને સુખ-સમુદ્ધિ અને શાંતિ માટેની દુઆઓ માંગવામાં આવી હતી અને વિશેષ નમાઝ પઢીને કરબલાના શહિદોને શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી. આ ઉપરાંત મુસ્‍લીમ બિરાદરો કબ્રસ્‍તાનમા શ્રાધ-તર્પણ માટે ઉમટી પડયા હતા. અને પોતાના સ્‍વજનોને યાદ કર્યા હતા. આ ઉપરાંત મહોરર્મ માસએ ઇસ્‍લામી નૂતન વર્ષનો આરંભ હોઇ આખોદિ'મુસ્‍લીમ ભાઇ-બહેનોએ એક બીજાને મળી ક્ષમા યાચના  કરી હતી. અને આશૂરાહ પર્વની શોકમય ઉજવણી કરવામાં આવી છે.

રાજકોટમાં બનેલા દોઢસો જેટલા તાજીયાઓ હિન્‍દુ મુસ્‍લીમ સમાજ માટે શ્રધ્‍ધા અને આકર્ષણનું કેન્‍દ્ર બની ગયા છે. તો ૫૦૦ જેટલી સબિલો ઉપરથી વિના ભેદભાવ લોકો તેનો ખાણી પીણી દ્વારા લાભ લઇ રહ્યા છે.

સદર વિસ્‍તારના તાજીયા સાંજે ફુલછાબ ચોકામાં ભેગા થશે

ઇમામે હુસેન અને તેમના વફાદાર શહિદોની યાદ તાજી કરીને શહેરની દરેક ન્‍યાઝે હુસેન સબીલમાં દુધ કોલ્‍ડ્રીંક,સરબત, ન્‍યાઝરૂપે ખાસ હિન્‍દુ-મુસ્‍લીમ સાથે જમી શકે એ રીતનું આયોજન દરેક ન્‍યાઝે હુસેન સબીલ કમીટીએ કરેલ હતું. જેમા ભેળ, પાઉભાજી, બટેટાની ચીપ્‍સ, ભજીયા, ગાઠીયા, રગડો વગેરે લોકોને ન્‍યાઝ (પ્રસાદ) રૂપે આપવામાં આવેલ હતું. આજે બપોરના નમાઝ બાદ તમામ તાજીયા પોતાના માતમમાંથી ઉપડીને રૂટ મુજબ તાજીયા ફરશે.

સદર વિસ્‍તારના તાજીયા ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસબીએસચોક, જયુબેલી ચોક, સદર કબ્રસ્‍તાનવાળો રોડ, હરીહર ચોક, સદર બજાર મેઇન રોડ, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, આઝાદ  ચોક, નહેરૂનગર સુભાષનગર, વૈશાલીનગર, હનુમાન મઢી, બ્રહ્મસમાજ, નૂરાનીપરા, નાણાવટી ચોકના તાજીયા સદર વિસ્‍તારના તાજીયા રાત્રિના ઠંડા થશે. આજે સાંજે ૬ વાગ્‍યે સદર વિસ્‍તારના તમામ તાજીયા ફુલછાબ ચોકમાં ભેગા થઇને આજે ત્‍યાં બધા સાથે મળીને રોઝા ખોલશે અને રાત્રીના ૧ વાગ્‍યે સદર વિસ્‍તારના તાજીયા ઠંડા થશે. તેમ સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયાની યાદી જણાવે છે.

શહેરી વિસ્‍તાારની લાઇનદોરીઃ આજનો રૂટ

શહેરી વિસ્‍તારના તાજીયા આજે બપોરના ૨.૩૦ વાગ્‍યે નમાઝ પછી માતમમાંથી ઉઠી જીલ્લા ગાર્ડન ચોક પાસે સાંજે ૪ વાગ્‍યે એકત્ર થશે અને રામનાથ પરા જેલના ઝાપા પાસે ૫.૩૦ વાગ્‍યે આવશે. સાંજે ૬.૩૦ વાગ્‍યે કોઠારીયા નાકા ગરબી ચોક પાસે આવશે.

કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આ તાજીયાની લાઇન દોરી સાંજે ૭ વાગ્‍યે આવશે. ત્‍યાથી બે લાઇન દોરીઓમાં અલગ વિભાજન થશે તેમાં એક લાઇનદોરી સોની બજારમાં જશે. બીજી લાઇન દોરી પેલેસ રોડ ઉપર જશે. સ્‍વામીનારાયણ મંદિરના ચોક પાસે આ તાજીયાની લાઇન દોરી રાત્રીના ૮ વાગ્‍યા પહોચશે. ૯ વાગ્‍યે આશાપુરા મંદિર પાસે પહોચશે. ૧૦ વાગ્‍યે સંતોષ ડેરી પાસે પહોચશે. ત્‍યાથી આ તાજીયાઓનું વિસર્જન થશે. ત્‍યાંથી આ લાઇન દોરીમાં અલગ- અલગ વિસ્‍તારમાં પરત ફરશે અને આજે રાત્રીના ૧૨ વાગ્‍યે આ તાજીયાઓ પોતપોતાના વિસ્‍તારમાં પહોંચી પોતપોતાના ઇમામ ખાનાઓમાં ટાઢા થશે.

(11:23 am IST)