રાજકોટ
News of Saturday, 7th November 2020

દિવાળીના તહેવારને અનુલક્ષીને એ-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારની બજારોમાં ફલેગ માર્ચ

એસીપી એસ.આર. ટંડેલ, પીઆઇ સી. જી. જોષી અને ટીમે વેપારીઓ-ગ્રાહકોને તકેદારીને લગતાં પેમ્પલેટ આપ્યાઃ ૩૨ સુચનોનો અમલ કરવા પોલીસનો પ્રજાજનોને અનુરોધ

રાજકોટઃ દિવાળીના તહેવારને હવે દિવસો જ બાકી છે ત્યારે કોરોનાને ભુલી શહેરીજનો પ્રકાશનું આ પર્વ ઉજવવાની તૈયારીમાં લાગી ગયા છે. શહેરની મુખ્ય બજારો ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, સોની બજાર, દાણાપીઠ સહિતની બજારોમાં બે-ત્રણ દિવસથી ધૂમ ઘરાકી નીકળી છે. આવા સમયે ચોર-ગઠીયા ને લેભાગુઓ લાભ ન લઇ જાય એ માટે પોલીસ સતર્ક બની છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની સુચના મુજબ એસીપી ઉત્તર એસ.આર. ટંડેલ, પીઆઇ સી. એસ. જોષી અને ટીમોએ આ બજારોમાં ફલેગમાર્ચ યોજી હતી અને વેપારીઓ તથા ગ્રાહકોને તકેદારી રાખવાના સુચનો સાથેના પેમ્પલેટ આપ્યા હતાં. પેમ્પલેટમાં ૩૨ જેટલા સુચનો છે. જેમાં કિંમતી ચીજવસ્તુઓ સાથે ન રાખવા, અજાણી વ્યકિતઓ કોઇપણ વિભાગના અધિકારી-કર્મચારીની ઓળખ આપે તો આઇકાર્ડ માંગવા, તમારા પર મેલુ પડ્યું છે...તેમ કોઇ કહે તો તરત ચેતી જવું (આવુ કહેનારા ગઠીયા હોઇ શકે), રોડ પર કોઇ તમારો પીછો કરતું નથી ને તેનું ધ્યાન રાખવું (એવું જણાય તો તુરત પોલીસને જાણ કરવી), મોબાઇલ એપથી પેમેન્ટ વખતે ઓટીપી કોઇને આપવો નહિ, દૂકાન બહાર અજાણ્યા શખ્સો લાંબા સમય સુધી ઉભા ન રહે તે બાબતે વેપારીઓએ સતર્ક રહેવું, અજાણ્યા શખ્સોની મુવમેન્ટ પર નજર રાખવી, કર્મચારીઓના વેરીફીકેશન પોલીસ સ્ટેશનમાં કરાવવા, અજાણ્યા પાસેથી ખાન-પાનની વસ્તુ લેવી નહિ-ખાવી નહિ, બેંકોમાંથી નાણા ઉપાડી લઇ જતી વખતે ખાસ તકેદારી રાખવી, વાહનમાં દેખાઇ આવે એ રીતે કિંમતી સામાન રાખવો નહિ, મકાન-દૂકાન ખાતે સુરક્ષાના સાધનો રાખવા, તમારા મોબાઇલમાં દૂકાન-ઘરના સીસીટીવી કેમેરા હોય તો તેના ફૂટેજ દેખાય તેવી ટેકનીકનો ઉપયોગ કરવો, ચોકીદારો રાખ્યા હોય તો સંપુર્ણ માહિતી રાખવી, ભીડમાં કોઇ બેગ, કિંમતી વસ્તુ રેઢા દેખાય તો અડવા નહિ-પોલીસને જાણ કરવી, ફોરવ્હીલરના સ્ટીયરીંગ લોક રાખવા-બારી દરવાજા બરાબર બંધ રાખવા, વાહન પાર્ક કરતી વખતે નજીકમાં કેમેરા હોય તો ત્યાં જ પાર્ક કરવા, દૂકાન-ઓફિસમાં ગ્રીલ હોય તો મજબૂત રાખવી, કામદારોના ફોટા, એડ્રેસ, મોબાઇલ નંબરો રાખવા, ફેરીયાઓ, ફૂગ્ગાવાળા, રકમડા-દવા વેંચનારા, ભિક્ષાવૃતિવાળા કયાંના છે તેની ખાત્રી કરવી, બહારગામ જતી વખતે વધુ દિવસ ઘર રેઢુ રહે તેમ હોય તો પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવી, ઘરમાં કિંમતી ચીજવસ્તુઓ રોકડ-દાગીના ન રાખી લોકરમાં રાખવા, સીસીટીવી કેમેરા હોય તો બહાર જતી વખતે મેઇન સ્વીચ બંધ ન કરવી, નજીકમાં અજાણ્યા શંકાસ્પદ રહેવા આવે તો તપાસ કરો, બહાર જતી વખતે બહારની સાઇડ જુના કપડા સુકવી રાખવા જેથી કોઇ ઘરમાં હોય તેવું લાગે, ઘણા કિસ્સામાં ખુદ ઘરઘાટી-નોકર પણ ગુનાહિત પ્રવૃતિમાં સંકળાયેલા હોય છે, સતર્ક રહેવું. જો ઘર છેવાડાના વિસ્તારમાં હોય તો કિંમતી સામાન-રોકડા રાખવા નહિ. દરવાજામાં શકય હોય તો સેન્સર લોક લગાડવા.

(12:39 pm IST)