રાજકોટ
News of Friday, 7th October 2022

લક્ષ્મીના ઢોળા પાસે બાઇક અડી જતાં મહેન્‍દ્ર પર હુમલો

જલારામ ફૂડ ઝોનના કર્મચારીના વાહનને બાઇક અડી જતાં કડાથી-ઢીકાપાટુનો માર માર્યો

રાજકોટ તા. ૭: કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળા પર રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરતાં મહેન્‍દ્ર કેશુભાઇ વરમોરા (ઉ.૩૦) નામના યુવાનને રાતે દસેક વાગ્‍યે તાલુકા પોલીસ સ્‍ટેશન નજીક જલારામ ફૂડ ઝોન પાસે અજાણ્‍યાએ ઢીકાપાટુ અને હાથમાં પહેરવાના કડાથી માર મારતાં માથા, શરીરે ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

મહેન્‍દ્રના કહેવા મુજબ તે બાઇક હંકારીને જતો હતો ત્‍યારે જલારામ ફૂડવાળાના કર્મચારીના વાહનને તેનું બાઇક અડી જતાં બોલાચાલી થયા બાદ પોતાને વાત કરવાના બહાને અંદર લઇ જઇ મારકુટ કરવામાં આવી હતી. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. જો કે ઘરમેળે સમાધાન થઇ જતાં ફરિયાદ નોંધાઇ નહોતી.

(3:38 pm IST)