રાજકોટ
News of Thursday, 6th October 2022

જશે જણાવી વિગતોઃ-મને બાંધી દઇ, છરી બતાવી ચાવીઓ માંગીઃ એ પછી મમ્‍મી-પપ્‍પાના રૂમમાંથી લૂંટ કરી ભાગી ગયા

જશનો ફ્રેન્‍ડ રાતે સુવા આવ્‍યો હતોઃ તે સવારે નીકળ્‍યા પછી ચોકીદાર અને બીજા બે નેપાળી ધસી આવ્‍યા : હું નીચે ન જઇ શકતાં દાદા ઉપર આવ્‍યા અને મને બાંધેલો જોયોઃ બે નેપાળીએ લાલ-કાળા ટી-શર્ટ પહેરેલા હતાં: નેપાળી શખ્‍સોએ વીસ-પચ્‍ચીસ મિનીટમાં કબાટ તોડી નાંખ્‍યા

ચાર લૂંટારાઓની તસ્‍વીર થઇ જાહેરઃ જોવા મળે તો પોલીસને જાણ કરો

 લૂંટની ઘટનામાં સામેલ એવા નેપાળી ચોકીદાર સહિત ચાર શકમંદોની તસ્‍વીર પોલીસે જાહેર કરી છે. તસ્‍વીરમાં અનિલ ઉર્ફ રામ નેપાળી અને તેના બે સાગ્રીત તથા અનિલ જેને પોતાની પત્‍નિ તરીકે ઓળખાવતો હતો એ મહિલા જોઇ શકાય છે. બે શકમંદના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળે છે. આ શખ્‍સો કોઇને પણ ક્‍યાંય પણ જોવા મળે તો તુરત જ નજીકના પોલીસ સ્‍ટેશનમાં અથવા તો યુનિવર્સિટી પોલીસને ફોન ૦૨૮૧ ૨૫૭૫૧૨૪, કન્‍ટ્રોલ રૂમમાં ૦૫૨૮૧ ૨૪૫૭૭૭૭ અથવા પીઆઇ એ. બી. જાડેજા- મો. ૯૬૮૭૫ ૦૦૧૧૧ ઉપર જાણ કરવા જણાવાયું છે.

 

રાજકોટ તા. ૬: જેને બાંધીને સનસનાટીભરી લૂંટ ચલાવવામાં આવી તે ઘરધણી પ્રભાતભાઇના પુત્ર જશ પ્રભાતભાઇ સિંધવ (ઉ.વ.૧૪)એ સમગ્ર ઘટનાની વિગતો જણાવતાં હતું કે-હું એસએનકે સ્‍કૂલમાં અભ્‍યાસ કરુ છું. બુધવારે તા. ૫ના સાંજે સાડા સાતેક વાગ્‍યે મારા પપ્‍પા પ્રભાતભાઇ તથા મમ્‍મી ડિમ્‍પલબેન મારી બહેન જેસિકા જેને અભ્‍યાસ કરવા લંડન જવાનું હોવાથી તેને અમદાવાદ એરપોર્ટ ખાતે મુકવા જવા અમારા ઘરેથી નીકળ્‍યા હતાં. હું તથા મારા દાદા દેવાયતભાઇ સિંધવ (ઉ.વ.૭૨) બંને ઘરે એકલા હતાં. મારા દાદા દેવાયતભાઇ પાર્કિંગમાં આવેલા તેમના રૂમમાં આરામ કરતાં હતાં.

અમારા બંગલામાં અમે પચ્‍ચીસ દિવસ પહેલા જ નેપાળી શખ્‍સને કામે રાખ્‍યો છે. તેનું નામ અનિલ ઉર્ફ રામ નેપાળી છે અને તેની સાથે તેની પત્‍નિ પણ હોઇ આ બંને અમારા બંગલાના પાર્કિંગની ચોકીદારની રૂમમાં રહેતાં હતાં. રાતે મારા દાદા પાર્કિંગમાં આવેલા રૂમમાં સુઇ ગયા હતાં અને મેં નજીકમાં રહેતાં મારા મિત્ર નીલને રાતે મારી ઘરે બોલાવ્‍યો હતો. હું એકલો હોવાથી તે અહિ સુવા માટે આવ્‍યો હતો. અમે બંને રાતે ત્રીજા માળે રૂમમાં સુઇ ગયા હતાં. નીલને સવારની સ્‍કૂલ હોઇ તે સવારે વહેલો પોણા છએક વાગ્‍યે મારા ઘરેથી નીકળી ગયો હતો અને એ કારણે દરવાજો ખુલ્લો હતો.

એ પછી સવારે સવા છએક વાગ્‍યા આસપાસ પાર્કિંગમાં રહેતો નેપાળી ચોકીદાર અનિલ ઉર્ફ રામ તથા બીજા બે નેપાળી જેવા શખ્‍સો મળી ત્રણેય જણા ઉપર ત્રીજા માળે મારા રૂમમાં આવ્‍યા હતાં અને મને જગાડયો હતો. હું જાગતાં જ મને ઓશીકાના કવરના લીરા બનાવી મારા હાથ પગ બાંધી દઇ છરી બતાવી હતી અને મોઢે ટેપ મારી દીધી હતી. એ પછી હિન્‍દી ભાષામાં બોલી ‘લોકર કી ચાબી કહાં હૈ?' તેમ પુછી છરી બતાવી ફરીથી ધમકાવ્‍યો હતો. મેં તેને કહેલું કે મને ખબર નથી, ચાવી ક્‍યાં હોય તે મમ્‍મીને ખબર છે.

આ પછી એ ત્રણેયએ મારા મમ્‍મી પપ્‍પાના રૂમના લોક તોડી નાંખ્‍યા હતાં અને અંદર જઇ કબાટો તોડી નાંખ્‍યા હતાં.   એ પછી આ ત્રણેય થેલામાં સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરીને ભાગી ગયા હતાં. આ નેપાળી શખ્‍સોમાં અનિલ ઉર્ફ રામ સાથેના બે શખ્‍સોમાં એકે કાળા કલરનું ટી-શર્ટ અને બીજાએ લાલ કલરનું ટી-શર્ટ પહેરેલુ હતું. જશે વધુમાં કહ્યું હતું કે મને બાંધી રખાયો હોવાથી હું નીચે પાર્કિંગમાં દાદાના રૂમમાં ન જતાં દાદા ઉપર જોવા આવ્‍યા હતાં ત્‍યારે તેણે મને બાંધેલી હાલતમાં જોયો હતો અને એ પછી મને મુક્‍ત કરાવ્‍યો હતો.

ઉલ્લેખનિય છે કે ૧૪ વર્ષના જશ સાથે તેના બંગલાના નેપાળી ચોકીદાર અને બીજા બે નેપાળીએ ખુબ જ ડરામણું વર્તન કર્યુ હતું અને તેને બાંધી દઇ, છરી બતાવી મોઢે ટેપ લગાવી તેના પર ત્રાસ ગુજાર્યો હતો. વીસ પચ્‍ચીસ મિનીટ સુધી જશે આ બધુ સહન કર્યુ હતું. આમ છતાં તે ભયભીત થયો નહોતો અને પોલીસને તમામ વિગતો સહજતાથી જણાવી હતી. પોલીસે જશની આ વિગતોને આધારે નેપાળી શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(5:12 pm IST)