રાજકોટ
News of Saturday, 6th March 2021

રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.નું રાજકોટમાં મંગલ પદાર્પણ : કાલે આંખનું ઓપરેશન

પૂ. ગુરુદેવ બે દિવસ શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે સ્થિરતા કરશે : મહાસતીજી વૃંદ રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજમાન

રાજકોટ : શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના આંગણે નવ નૂતનદીક્ષિત આત્માઓ અને પરમ ગુરુદેવનું ભકિતભીનું સ્વાગત કરવામાં આવ્યુંસમગ્ર વિશ્વને અસરમાં લેનારી કોરોના મહામારીના અતિ વિષમ કાળમાં પણ ગિરનારની ધન્ય ધરા પર દેશ-પરદેશના લાખો ભાવિકોને ધર્મબોધ પમાડતું વર્ષ ૨૦૨૦નું અભૂતપૂર્વ ઐતિહાસિક ચાતુર્માસ કર્યા બાદ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે રાજકોટ મહાનગરીમાં મંગલ પધરામણી કરતાં સર્વત્ર મંગલતા છવાઈ ગઈ હતી.

 રાજકોટના શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પોષધશાળા-ઓમાનવાળા ઉપાશ્રયના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ તેમજ પૂજ્ય ડો. ડોલરબાઈ સ્વામી આદિ ઠાણા સાથે ગિરનાર ધરા પર ગત ૧૪ ફેબ્રુઆરીના દિને દીક્ષા અંગિકાર કરનારા નવ નૂતન દીક્ષિત એમ કુલ ૨૬ સંત- સતીજીઓ પધારતાં, અત્યંત ભાવભીનું સ્વાગત કરતા પૂજ્ય શ્રી વનિતાબાઈ મહાસતીજી આદિ ઠાણાઓ સાથે રોયલપાર્ક સંઘના ચંદ્રકાંતભાઈ શેઠ આદિ, ગોંડલ સંપ્રદાયના પ્રવિણભાઈ કોઠારી તેમજ અનેક ભાવિકો સાથે ચતુર્વિધ સંઘ અત્યંત ભકિતભાવે ઉપસ્થિત થયાં હતાં.ઉલ્લેખનિય છે કે, આંખનું ઓપરેશન કરાવવા માટે રાજકોટ પધારેલાં પરમ ગુરુદેવ બે દિવસ માટે રાજકોટના શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે સ્થિરતા કરશે, મહાસતીજીવૃંદ રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજમાન છે. ત્યાર બાદ કાલે તા. ૭ રવિવારના દિને રાજકોટની હોસ્પીટલમાં પરમ ગુરુદેવનું નિષ્ણાંત ડોકટર્સ દ્વારા ઓપરેશન કરવામાં આવશે.કોરોના મહામારીને લક્ષમાં રાખીને તેમજ સહુની સુરક્ષા જાળવવાના હેતુથી દરેક ભાવિકોને પરમ ગુરુદેવ તેમજ સંત-સતીજીઓના દર્શન-વંદન અર્થે વિવેક રાખીને આવવા નમ્ર વિનંતિ કરવામાં આવી છે.

(1:21 pm IST)