રાજકોટ
News of Tuesday, 6th February 2018

મોરબી રોડની સો કરોડની જમીન મામલે નાગજીભાઇ બાસીડાની વળતી રજુઆત

રાજકોટ તા. ૬: મોરબી રોડની સો કરોડની સર્વે નં. ૫૮ પૈકીની જમીન મામલે કોંગ્રેસના કિસાન સેલના કન્વીનર નાગજીભાઇ પી. બાસીડાના ભાઇ ગોપાલભાઇ બાસીડા વિરૂધ્ધ પોલીસ કમિશ્નરને થયેલી લેખિત ફરિયાદ સંદર્ભે નાગજીભાઇ પી. બાસીડાએ એક યાદીમાં જણાવ્યું છે કે અમે ન્યાયાલય અને સ્થાનિક રેવન્યુ કચેરીમાં વાંધા અરજી કરતાં ગીન્નાયેલા લુણાગરીયા બંધુઓએ પોલીસ કમિશ્નરને અર્થહીન અરજી કરી છે. અમારા ડોકયુમેન્ટ્સ બોગસ છે તે સાબિત કરવાનું કામ કોર્ટનું છે. પોલીસ પાસે દોડી જવાની ઉતાવળ શા માટે?

નાગજીભાઇ બાસીડાએ વધુમાં જણાવ્યું છે કે આ પ્રકરણે રાજકીય રંગ આપવાનો પ્રયાસ થયો છે. સર્વે નં. ૫૮ પૈકીની જમીનને બિનખેતી કરાવવાનો પ્રયાસ કરી ભાગીદારો તથા પ્લોટ હોલ્ડરોના નાથા ભૂ કરવાની સાજીશ લાગે છે. અમોને સાંકળીને જે ફરિયાદ થઇ છે તેમાં મનઘડત વાતો ઉભી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો છે. લુણાગરીયા બંધુને પોતાની પોલીસ ખુલી જશે તેવી બીક લાગતાં પોલીસ કમિશ્નરશ્રી સમક્ષ પોકળ ફરિયાદો કરી છે. અમારા લઘુબંધુ ગોપાલભાઇ બાસીડા કોઇપણ પ્રકારના રાજકારણમાં જોડાયેલા નથી. તેમ પણ નાગજીભાઇ બાસીડાએ જણાવ્યું છે.

(4:04 pm IST)