યુવતીની છેડતી બાબતેનો ખાર રાખી પિતા - પુત્ર અને પુત્રવધૂ પર બે શખ્સોનો છરીથી હુમલો
ગોંડલ રોડ આંબેડકરનગરમાં બનાવ : બાબુભાઇ તેનો પુત્ર રાહુલ અને પુત્રવધૂ મનિષા સારવારમાં : પાર્થ ગોહેલ અને પત્ની પાયલ ગોહેલ સામે ફરિયાદ
રાજકોટ તા. ૫ : ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં યુવતીની છેડતી બાબતનો ખાર રાખી પિતા, પુત્ર અને પુત્રવધૂ પર પાડોશી દંપતીએ ઝઘડો કરી છરી વડે હુમલો કરતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગર શેરી નં. ૧૬માં રહેતા બાબુભાઇ કેશુભાઇ ચૌહાણ (ઉ.૬૦) તેનો પુત્ર રાહુલ ચૌહાણ (ઉ.૨૬) તેની પત્ની મનીષા રાહુલ ચૌહાણ (ઉ.૨૬) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ઘર પાસે રહેતો પાર્થ ગોહેલ અને તેની પત્ની પાયલ ગોહેલ બંને બાબુભાઇ ચૌહાણના ઘર પાસે આવીને પાર્થે કહેલ કે, ‘બહાર આવો કામ છે' તેમ કહેતા બાબુભાઇ અને તેનો પુત્ર રાહુલ ઘરની બહાર આવતા અગાઉ એક યુવતીની છેડતી બાબતે થયેલી માથાકુટનો ખાર રાખી પાર્થ ગોહેલ તેની પત્ની મનીષાએ ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ છરી તથા પાઇપથી હુમલો કરતા ત્રણેયને ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા બંને ત્યાંથી નાશી ગયા હતા. બાદ બાબુભાઇ તેનો પુત્ર રાહુલ અને પુત્રવધૂ મનિષાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.