રાજકોટ
News of Tuesday, 4th October 2022

ડ્રીલ મશીન પરત માંગતા સાળા-બનેવી પર સંબંધી સહિત ત્રણ શખ્‍સોનો હુમલો

રૈયાધાર ઇન્‍દીરાનગરમાં બનાવ : મયુર રાઠોડ અને બનેવી રવિભાઇને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા : સચીન વોરા, જયંતી ઉર્ફે આનંદ અને સંજય પરમારની ધરપકડ

રાજકોટ,તા.૪ : શહેરના રૈયાધાર ઇન્‍દીરાનગરમાં ડ્રીલ મશીન પરત માંગતા સાળા-બનેવી પર સંબંધી સહિત ત્રણ શખ્‍સોએ પ્‍લાસ્‍ટીકના પાઇપ વડે મારમારી બાઇકમાં તોડફોડ કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયાગામ હનુમાન ચોક ૧૦૦ વારીયા પ્‍લોટ શેરી નં. ૭માં રહેતા મયુર હસમુખભાઇ રાઠોડ (ઉવ.૨૨) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં સચીન વોરા, જયંતી ઉર્ફે આનંદ અને સંજય પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. મયુર રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે લાદીકામની મજૂરીકામ કરે છે. અને મામાની દીકરી પ્રિતી તેના પતિ રવિાભાઇ પિતાંબરભાઇ સોલંકી સાથે રૈયાધાર ઇન્‍દીરાનગર શેરી નં. ૬માં રહે છે. ગઇ કાલે પોતે તથા બનેવી રવિભાઇ ગરબી જોઇને આવતા હતા ત્‍યારે પોતાના સંબંધી સચીન વોરાનો રસ્‍તામાં ભેટો થઇ ગયો હતો. પોતાના બનેવી રવિભાઇનું ડ્રીલ મશીન આ સચીન છએક મહિના પહેલા લઇ ગયેલ હોય તે પરત આપતો ન હતો તેથી બનેવી રવિભાઇએ સચીન પાસે ડ્રીલ મશીન પરત માંગતા સચિને કહેલ કે  ‘ડ્રીલ મશીન ઘરે આવીને આપી જાવ છું' તેમ કહેતા પોતે અને બનેવી રવિભાઇ બંને ત્‍યાંથી જતા રહ્યા હતા. બાદ મોડી રાત્રે પોતે અને બનેવી રવિભાઇ બંને ઘર પાસે પોતાના કાકા ગોપાલભાઇ રાઠોડના બાઇક પર બેઠા હતા ત્‍યારે સચીન વોરા અને તેનો ભાઇ જયંતી ઉર્ફે આનંદ અને સંજય પરમાર ત્રણેય હાથમાં પ્‍લાસ્‍ટીકના ધોકા લઇને આવીને બનેવી રવિભાઇને કહેલ કે ‘તને ડ્રીલ મશીન પાછુ આપવાનું થતુ નથી તારાથી થાય તે કરી લેજે' તેમ કહેતા પોતે તેને કહેલ કે આ ડ્રીલ મશીન મારા બનેવીનું છે.તમારૂ કામ થઇ ગયુ હોય તો પરત માંગે તો ખરા તેમ કહેતા આ ત્રણેય શખસેએ ઝઘઠો કરી ગાળો આપી પ્‍લાસ્‍ટીકના ધોકા વડે મારમાર્યો હતો અને બાઇકમાં તોડફોડ કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય ત્‍યાંથી ભાગી ગયા હતા. બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ અંગે મયુર રાઠોડે યુનિવર્સિટી પોલીસ મથકમાં ત્રણેય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ. બી.આર.ગોહીલે રૈયા ધાર ઇન્‍દીરાનગરમાં રહેતો સચીન પ્રવિણભાઇ વોરા (ઉવ.૨૯) તેનો ભાઇ જયંતી ઉર્ફે આનંદ પ્રવિણભાઇ વોરા (ઉવ.૨૮) અને સંજય બાબુભાઇ પરમાર (ઉવ.૨૮) ની ધરપકડ કરી હતી.

(4:17 pm IST)