રાજકોટ
News of Tuesday, 4th October 2022

કાલે ક્ષત્રિય સમાજની શોભાયાત્રા-સમુહ શસ્ત્રપૂજન

શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા આયોજન : ક્ષત્રિય પર્વ નિમિતેની શોભાયાત્રા-શસ્ત્રપૂજનમાં મોટી સંખ્યામાં સમાજના વડીલો, ભાઇઓ, યુવાનોએ સાફા, પાઘડી, પરંપરાગત પોશાકમાં જોડાવા અપીલ

રાજકોટ, તા. ૪:  ક્ષત્રિય પર્વ વિજયાદશમી નિમિત્તે છેલ્લા ૩ દાયકાથી વધુ સમયથી રાજકોટ શહેરમાં શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ યોજિત શોભાયાત્રા સમુહશસ્ત્ર પૂજન રાજકોટના રાજવી પરિવાર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવતીકાલે યોજાશે.

રજપૂતપરા સ્થિત હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે બપોરે ૩ કલાકે ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સમુહ શસ્ત્રપૂજન યોજાશે. ત્યારબાદ છાત્રાલય ખાતેથી પરંપરાગત પોશાક પરિધાન સાથે ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા અને સમાજના અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં અશ્વો, ઢોલ, નગારા, સરણાઇઓના સૂર સાથે શોભાયાત્રા બપોરે ૩-૩૦ કલાક બાદ આરંભ થશે. શોભાયાત્રા રજપૂતપરા મેઇન રોડ કોર્પોરેશન ચોક, ઢેબરભાઇ રોડથી લાખાજીરાજ બાપુ રોડ પર લાખાજીરાજ બાપુના બાવલા પર પુષ્પાંજલી અર્પિત કરી આગળ ધપશે. ભુપેન્દ્ર રોડથી પેલેસ રોડ આશાપુરા મંદિર સાથે શોભાયાત્રા પહોંચશે. ત્યાં ભૂદેવો દ્વારા માતાજીનું પુજન અર્ચન કરાવશે. શોભાયાત્રા મંદિર ખાતેથી રણજીત વિલાસ પેલેસ ખાતે જશે ત્યાં રાજપરિવાર દ્વારા શસ્ત્રપૂજન, અશ્વનપૂજન, કાર પૂજન કરાશે અને હાજર સૌ કોઇ સાથે સમુહ અલ્પાહાર લેવામાં આવશે. આવતીકાલે બુધવારે યોજાનાર ક્ષત્રિય પર્વ નિમિત્તેની શોભયાત્રા, શસ્ત્ર પૂજનમાં મોટી સંખ્યામાં સમાજના વડીલો, ભાઇઓ, યુવાનોએ સાફા પાઘડી, પરંપરાગત પોશાકમાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલની કાર્યવાહક સમિતિ દ્વારા અપીલ કરાઇ છે.

(3:41 pm IST)