રાજકોટ
News of Thursday, 4th March 2021

મુસાફરોને રિક્ષામાં બેસાડી રોકડ ચોરતી ત્રિપૂટી ઝડપાઇઃ ૧૫ દિ'માં ચાર ગુના આચર્યાનું કબુલ્યું

બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓસુરા, પીએસઆઇ કોડીયાતર, એએસઆઇ વિરમભાઇ ધગલ અને ટીમને સફળતાં: ઇરફાન, સુમારશા અને સાગરની ધરપકડઃ ઇરફાન અગાઉ પણ ચિલઝડપના ગુનામાં સંડોવાયો'તો : પોકેટ કોપ એપ અને સીસીટીવી ફૂટેજ ખુબ ઉપયોગ નીવડ્યા

રાજકોટ તા. ૪: લોકોને મુસાફર તરીકે રિક્ષામાં બેસાડી તેની સાથે બેસી ધક્કામુક્કી કરી તેમના ખિસ્સા, થેલીમાંથી રોકડ ચોરી લઇ બાદમાં રિક્ષા આગળ નહિ જાય, બીજી તરફ જવાનું છે તેમ કહી જે તે મુસાફરને અધવચ્ચે ઉતારી મુકી ભાગી જઇ ગુના આચરતાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં બી-ડિવીઝન પોલીસને સફળતા મળી છે. આ ત્રિપૂટીએ પંદર દિવસમાં આવા ચાર ગુના આચર્યાની કબુલાત આપી છે.

માધાપર ચોકડી પાસે સેલેનિયમ સીટીમાં રહેતાં અને એકાઉન્ટ લખવાનું કામ કરતાં સુરેશભાઇ મધુસુદનભાઇ મહેતા (ઉ.વ.૪૫) તા. ૨૨/૨ના રોજ ગ્રીનલેન્ડ ચોકડીથી માલીયાસણ કંપનીમાં નોકરીએ જવા માટે એક રિક્ષામાં બેઠા હતાં. લીલા કલરની કાળા હૂડવાળી એ રિક્ષા હતી. તેઓ તેમાં બેઠા એ પછી બીજા બે શખ્સો પણ આજુબાજુમાં મુસાફર તરીકે ગોઠવાઇ ગયા હતાં. રિક્ષા અડધો કિ.મી. આગળ વધી ત્યાં સાથે બેસેલા શખ્સે ઉલ્ટી ઉબકાનું નાટક કર્યુ હતું અને કાકા થોડા આઘા ખસો, મને ઉબકા આવે છે તેમ કહી તેમના ખોળામાં પડી જઇ પેન્ટના ખિસ્સામાં હાથ નાંખી પર્સ કાઢી લીધુ હતું. એ પછી એ શખ્સે વધુ ઉબકા આવે છે, હવે દવાખાને જવું પડશે. તેમ કહેતાં ચાલકે રિક્ષા પાછી વાળી હતી અને બેડીપરા ચોકી નજીક તેમને ધરાર ઉતારી દીધા હતાં.

એ પછી શંકા જતાં તેમણે ખિસ્સુ તપાસતાં અંદરથી પાંચ્ હજારની રોકડ સાથેનું તથા ડોકયુમેન્ટ સાથેનું પર્સ ગાયબ જણાયું હતું. બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં રિક્ષાના વર્ણનને આધારે તપાસ શરૂ થઇ હતી. સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષા શોધી કઢાઇ હતી. એ પછી પોકેટકોપ એપની મદદથી નંબર પ્લેટ ચકાસતાં રિક્ષામાલિક ભાવનગર રોડ મનહરપરા-૬માં રહેતો સુમારશા ફૈઝમહમદ શાહમદાર (ઉ.૨૯) હોવાનું ખુલતાં તેને ઉઠાવી લીધો હતો.

આકરી પુછતાછમાં તેણે ગુનો કબુલી પોતાની સાથે ચુનારાવાડ-૧નો ઇરફાન અનવરભાઇ મીઠાણી (ઉ.૨૬) તથા મનહરપરા-૨ રાવણ ચોકનો સાગર ધીરૂભાઇ રાઠોડ (ઉ.૨૫) હોવાનું કબુલતાં તેને પણ દબોચી લેવાયા હતાં. આ ત્રણેયએ મળી છેલ્લા પંદર દિવસમાં બીજા ત્રણ ગુના પણ આ રીતે આચર્યાનું કબુલ્યું હતું. જેમાં પંદર દિવસ પહેલા ડિલકસ ચોકમાંથી એક વૃધ્ધ મુસાફરને બેસાડી ૯ હજાર, નવ દિવસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડીથી મુસાફરને બેસાડી ૫૦૦૦, સાત દિવસ પહેલા ભૂતખાના ચોક પાસેથી મુસાફરના ૨૦૦૦ અને બે દિવસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડીએથી એક મુસાફરને બેસાડી રૂ. ૨૫૦૦ કાઢી લીધાનું સામે આવ્યું છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ બી. બી. કોડીયાતર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, હેડકોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, જયદિપસિંહ બોરાણા, હેમેન્દ્રભાઇ વાધીયા, સંજયભાઇ મિયાત્રા, પરેશભાઇ સોઢીયા, મિતેશભાઇ આડેસરા, વિશ્વજીતસિંહ ઝાલા, નિરવ વઘાસીયા, ભાવેશભાઇ પટેલ અને કન્ટ્રોલ રૂમના કર્મચારીઓએ આ કામગીરી કરી હતી. પોકેટકોપ એપ અને સીસીટીવી કેમેરા આ ગુનાનો ભેદ ઉકેલવામાં ખુબ ઉપયોગી નિવડ્યા હતાં.

(2:57 pm IST)