રાજકોટ
News of Wednesday, 3rd January 2018

સમાન ન્યુનતમ વેતન વિધેયકથી શ્રમિકો આર્થિક સધ્ધર થશેઃ મદલાણી

રાજકોટ તા.૩: કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં સમગ્ર દેશમાં ન્યુનતન વેતન એકસમાન કરવા માટે ખરડો પસાર કરીને સામાન્ય લોકોનું જીવનધોરણ ઉંચુ લાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હાથ ધરેલા પ્રયાસો ઉપર મંજુરીની મહોરને વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ સરાહનીય પ્રયાસ ગણાવ્યુ છે.

તેઓએ જણાવ્યુ છે કે આ વિધેયકના કારણે શ્રમિકોનું આર્થિક હિત વધશે.

અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા શ્રમિકોને પણ સમાન વેતનનો લાભ મળશે.

કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અકુશળ કૃષિ શ્રમિકો માટે ન્યુનતમ વેતન ૩૫૦ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે તેને પણ વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ આવકાર્યો છે.

દિપક મદલાણીએ શ્રમ મંત્રાલયના સંયુકત સચિવ આર.કે.ગુપ્તાના એક નિવેદનને ટાંકીને જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્રની ભાજપ સરકાર કર્મચરીઓના ન્યુનતમ વેતન વિર્ધારિત કરવા માટે એક સલાહકાર બોર્ડની રચના પણ કરશે. જો કે, કેન્દ્ર સરકારે હજુ સુધી તમામ કર્મચારીઓ માટે ન્યુનતમ વેતન વિર્ધારિત કર્યુ નથી. રાજય અને કેન્દ્રશાસિન પ્રદેશો પોતાના સંબંધિત ક્ષેત્રોમાં ન્યુનતમ વેતન ઉપર સલાહકાર બોર્ડના નિર્ણય ઉપર આગળ વધશે.

બીજી તરફ હાલમાં બીન કૃષિક્ષેત્રના શ્રમિકોની ન્યુનતમ મજદુરી ૯૧૦૦ રૂપિયા નિર્ધારિત છે. તેમાં ફેરફાર થવાથી વધીને રૂ.૧૮૦૦૦ સુધી થઇ શકે છે. આ કારણે બીન કૃષિક્ષેત્રમાં કામ કરનારા શ્રમિકોને પણ આર્થિક ફાયદો થશે. આ માટે સરકાર ટૂંક સમયમાં બોર્ડની રચના પણ કરશે તેમ વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ યાદીના અંતમાં જણાવ્યુ છે.(૧.૧૬)

(4:07 pm IST)