રાજકોટ
News of Wednesday, 3rd January 2018

બાહ્ય સૌંદર્ય કરતા આંતર સૌંદર્ય વધુ ગુણવાન

મિસિસ ઈન્ડિયા બનેલા નિશા ચાવડા દ્વારા 'મિસિસ ગુજરાત કોન્ટેસ્ટ'નું આયોજન : નિશા ચાવડા કહે છે પરિણિત સ્ત્રીઓમાં ખૂબ ટેલેન્ટ છે, બહાર લાવવી જરૂરી : રાજકોટ, અમદાવાદ, બરોડા અને સુરતમાં ઓડીશન : ૨૦ થી ૪૦ અને ૪૧થી ૫૫ વર્ષની મહિલાઓ ભાગ લઈ શકશે

રાજકોટ, તા. ૩ : આમ તો દેશની તમામ સ્વરૂપવાન મહિલાઓ મુંબઈ અને દિલ્હી અને જયપુર જેવા શહેરોમાં થતી મિસ ઈન્ડિયા અને મિસિસ ઈન્ડિયા સ્પર્ધાથી વાકેફ હોઈ છે પણ જયાં સુધી ગુજરાતનો સવાલ આવે છે ત્યારે ભાગ્યે જ મહિલાઓ બ્યુટી સ્પર્ધામાં સામેલ થતી હોય છે પણ હવે જમાનો બદલાયો છે અને ખાસ કરીને પરિણિત મહિલાઓને લગ્ન બાદ પણ પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે અને નવી ઉડાન ભરવા માટે તેમજ મિસિસ ગુજરાત સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું હુન્નર અને આત્મ વિશ્વાસ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ મિસીસ ગુજરાત બ્યુટી કિવન ૨૦૧૮ દ્વારા પૂરૂ પાડવામાં આવી રહ્યુ છે.

 

૨૦૧૭માં જયપુર ખાતે યોજાયેલી મિસીસ ઈન્ડિયા બ્યુટી કિવન સ્પર્ધાના ફાઈનલમાં પહોંચીને વેસ્ટ ઝોન વિજેતા બનનાર અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરનાર રાજકોટના નિશા ચાવડા દ્વારા હવે ગુજરાતના ચાર મુખ્ય શહેર રાજકોટ અમદાવાદ, બરોડા અને સુરત ખાતે મિસીસ ગુજરાત બ્યુટી કિવન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૨૦ વર્ષથી ૫૫ વર્ષની કોઈપણ પરિણિત મહિલા ભાગ લઈ શકશે.

આ અંગે વધુ માહિતી આપતા મિસીસ ગુજરાત બ્યુટી કિવનના ડિરેકટર નિશા ચાવડાએ જણાવ્યુ હતું કે સામાન્ય રીતે ગુજરાતમાં નાના સ્કેલ પર આ પ્રકારની ઈવેન્ટ ગુજરાતમાં ઘણી વખત થતી હોય છે પણ તેની ખાસ વેલ્યુ હોતી નથી અને તેમાં ગુજરાત બહાર ભાગ લેવાનો મોકો જીત્યા પછી પણ મળતો નથી પરંતુ અહીં ભાગ લેનાર અને ફાઈનાલીસ્ટ બન્યા બાદ જે પાંચ વિજેતા થશે તેઓને નેશનલ લેવલની મિસીસ ઈન્ડિયા બ્યુટી કિવન કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે ડાયરેકટ એન્ટ્રી મળી રહેશે. અહીં ૨૦ થી ૪૦ વર્ષની પરિણિત મહિલાઓ માટે મિસીસ ગુજરાત બ્યુટી કોન્ટેસ્ટની સાથે સાથે ૪૧ થી ૫૫ વર્ષની પરિણિત મહિલાઓ માટે કલાસીક લેવલ સ્પર્ધાનું આયોજન કરાયુ છે.

આ સ્પર્ધાની શરૂઆત માર્ચમાં થશે અને મે મહિનાની ૭ મે થી તેમની ગ્રાન્ડ ફીનાલે અમદાવાદમાં ફાઈવ સ્ટાર હોટેલમાં થશે. મિસિસ ગુજરાત બ્યુટી કિવન કોન્ટેસ્ટ માટે ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ઓડિશન ટેસ્ટ રાખવામાં આવ્યા છે જેમાં વડોદરામાં ૧૭ અને ૧૮ માર્ચ, અમદાવાદમાં ૨૪ અને ૨૫ માર્ચ, રાજકોટમાં ૧ અને ૨ એપ્રિલ અને સુરતમાં ૭ અને૮ એપ્રિલના રોજ ઓડિશન રાઉન્ડ થશે. આ માટેના વેન્યુની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ચારેય રાઉન્ડમાંથી પસંદ થયેલા ટોચના ૮૦ થી ૧૦૦ સ્પર્ધકોને ફાઈનલ રાઉન્ડ માટે અમદાવાદ બોલાવામાં આવશે. જયાં પંચતારક હોટેલમાં તેઓનો ફાઈનલ રાઉન્ડ થશે. જેમાં દરેક સ્પર્ધકને નિષ્ણાંત દ્વારા ૬ દિવસ માટે આ ફિલ્ડના એકસપર્ટ દ્વારા ગ્રૂમિંગ કરવામાં આવશે અને બોલીવુડ સેલિબ્રિટી અને ફેશન ડિઝાઈનર તેમજ જજીસ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવશે મિસિસ ગુજરાતનો તાજ હાંસલ કરનાર મહિલાને ૨,૫૦,૦૦૦નો ચેક ઉપરાંત તેમને ક્રાઉન અને સેસ વડે નવાજિત કરવામાં આવશે.

મિસિસ ગુજરાત બ્યુટી કિવનમાં કુલ પાંચ વિજેતા બનવામાં આવશે અને એ ઉપરાંત બેસ્ટ સ્માઈલિંગ ફેઈસ, મિસિસ ફોટોજેનિક જેવી ૧૬  જેટલી કેટેગરીના વિજેતા ગૃહિણીઓને સેસ પહેરવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ મહિલાઓને ૫ હજારની કિંમતની ભેટ પણ આપવામાં આવશે. રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં યોજાનારા ઓડિશન ટેસ્ટમાં પરિણીત મહિલા ભાગ લઈ શકશે. આ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલેનું ગુજરાતી ચેનલ પર જીવંત પ્રસાર પણ કરવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મો.૯૦૯૯૬૦ ૬૩૭૩ કરવા યાદીના અંતમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)