રાજકોટ
News of Wednesday, 3rd January 2018

ગાયત્રીનગરમાં શિક્ષણ સહાય યોજનાના નામે ઉઘરાણા

પ્રવિણ ગોહેલ દ્વારા ફોર્મ ભરવાના નામે થઇ રહ્યા છે ૧૧૦-૧૧૦ના ઉઘરાણાઃ રાજકોટ શહેર જીલ્લા વાલીમંડળે મહાપાલિકા અને ડીઇઓ કચેરીમાં તપાસ કરતાં આવી કોઇ યોજના ન હોવાનું જણાયું: પોલસ કમિશ્નરને ફરિયાદ

રાજકોટ તા. ૩: ગાયત્રીનગર શેરી નં. ૯માં શ્રીજી સદન નામના મકાનમાં પ્રવિણભાઇ ગોહેલ નામના વ્યકિત રિસન્ટ ઇન્સ્યુરન્સ એન્ડ એગ્રીકલ્ચર ફાઉન્ડેશનની પહોંચ આપી વાલીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય અપાવવાના નામે ફોર્મ ભરાવી રૂ. ૧૧૦-૧૧૦ના ઉઘરાણા કરી રહ્યાની ફરિયાદ શહેર જીલ્લા વાલીમંડળ દ્વારા પોલીસ કમિશ્નર અને ભકિતનગર પોલીસને કરવામાં આવી છે.

જેમાં જણાવાયું છે કે એજ્યુકેશન સહાય યોજનાના નામે ફોર્મ ભરાવીને રૂ. ૧૧૦ની ફી વસુલ કરી પહોંચ પણ આપવામાં આવી છે. તેમજ ફોર્મ ભરનાર વાલી કે વિદ્યાર્થી પાસેથી પુરાવા તરીકે બે ફોટા, આધાર કાર્ડની નકલ, બેંક પાસબૂકની નકલ લેવામાં આવે છે. તેમજ અભ્યાસ ચાલુ છે તેનો પુરાવો પણ લેવામાં આવે છે. વાલી મંડળે આ ફોર્મનું વિતરણ કરનાર પ્રવિણભાઇનો સંપર્ક કરી માહિતી મેળવતાં તેણે સુરતના રમેશભાઇ એમ. પટેલનો નંબર આપ્યો હતો અને પાંચ વર્ષમાં છાત્ર હોય તો રૂ. ૫૦૦૦ અને છાત્રા હોય તો રૂ. ૭૫૦૦નું ડોનેશન મળશે તેવી વાત કરી હતી.

રાજકોટ વાલી મંડળને શંકા ઉપજતાં વિશેષ વિગતો માટે મહાનગર પાલિકા અને ડીઇઓ કચેરીમાં તપાસ કરતાં આ પ્રકારની કોઇ યોજના અમલમાં નહિ હોવાનું જણાવાયું હતું. ત્યારે આ વ્યકિતએ છેલ્લા એક મહિનાથી સહાયના નામે ઉઘરાણા કર્યા હોઇ તે રકમ ત્રણ લાખ સુધી પહોંચી ગઇ છે. જો આમા છેતરપીંડી હોય તો તાકીદે પોલીસે ગુનો નોંધી સાહિત્ય કબ્જે કરી છાત્રો-વાલીઓને છેતરાતા બચાવવા જોઇએ તેવી માંગણી વાલીમંડળે કરી છે.

રજૂઆતમાં પ્રમુખ હિમતભાઇ લાબડીયા,  ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, પ્રભાતભાઇ ડાંગર, મુકેશ પરમાર, સરલાબેન પાટડીયા, વિજય વખારીયા, રમેશ તલાટીયા, જ્યોતિબેન માઢક, જીજ્ઞેશ વાગડીયા, જીજ્ઞેશ મોડાસીયા, ભાવશે પટેલ, જીતુ લખતરીયા સહિતના જોડાયા હતાં.

(4:06 pm IST)